દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કાવડના મુવાડા ગામે ઉછીના પૈસા મામલે ત્રણ ઈસમોએ બેને માર માર્યાે
દાહોદ તા.૦૩
સંજેલી તાલુકાના કાવડાના મુવાડા ગામે ઉછીના પૈસા આપવાની ના પાડવાના મામલે એકદમ ઉશ્કેરાયેલા ત્રણ જણાએ લાકડી તથા ગડદાપાટુનો મારમારી બે જણાને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે.
કાવડાના મુવાડા ગામના અશ્વીનભાઈ સુરસીંગભાઈ મુનીયા, પ્રતાપભાઈ તથા દિનેશભાઈ ગત તા. ૨૮-૯-૨૦૨૩ના રોજ રાત્રીના જમી પરવારી તેમના ઘર આગળ ઝુંપડામાં બેઠેલ હતા તે વખતે તેમના ગામના દિનેશભાઈ રામસીંગભાઈ ભુરીયા, ગોરધન રામસીંગ ભુરીયા અને રમેશ પારસીંગ ભુરીયા એમ ત્રણે જણા રાતના દશેક વાગ્યાના સુમારે અશ્વીનભાઈ મુનીયાના ડાંગરના વાવેતર કરેલ ખેતર સુધી આવી પ્રતાપભાઈ પાસે ઉછીના રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી પરંતુ પ્રતાપભાઈ પાસે પૈસા ન હોવાને કારણે તેઓએ પૈસા નથી તેમ કહેતા ભુરીયા કુટુંબના ઉપરોક્ત ત્રણે જણા એકદમ ઉશ્કેરાય હતા અને બેફામ ગાળો બોલી અશ્વીનભાઈ મુનીયા અપંગ હોઈ તેની પાસેથી લાકડી પડાવી પ્રતાપભાઈને શરીરે લાકડીના ફટકા મારી ઈજાઓ પહોંચાડી હતી અને પ્રતાપભાઈને છોડાવવા વચ્ચે પડેલા દિનેશભાઈને જમણા હાથ પર લાકડીનો ફટકો મારી હાથે ફ્રેક્ચર કરી ગંભીર ઈજા કરી ગડદાપાટુનો મારમારી શરીરે ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી.
આ સંબંધે કાવડના મુવાડા ગામના અશ્વીનભાઈ સુરસીંગભાઈ મુનીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે સંજેલી પોલિસે ઈપિકો કલમ ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.