અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર અથડાતાં કારમાં બેઠેલા વ્યક્તિનું મોત.
નરેશ ગનવાણી નડિયાદ
અમદાવાદ-ઈન્દોર હાઈવે પર ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર અથડાતાં કારમાં બેઠેલા વ્યક્તિનું મોત
ગળતેશ્વર ના સોનીપુરા પાસેથી પસાર થતા અમદાવાદ-ઈન્દોર હાઈવે પર રોંગ સાઈડએ આવેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ઇકો કાર અથડાતાં કારમાં બેઠેલા વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ બનાવ મામલે સેવાલીયા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાયડ તાલુકાના સેઢા આમોદરા ગામે રહેતા કલ્પેશસિંહ જશવંતસિંહ સોલંકી અને પ્રહલાદસિંહ પર્વતસિંહ સોલંકી બંને પ્રહલાદસિંહની ઈકો ગાડીમાં પાવાગઢ જતાં નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના ઈકો ગાડી ગળતેશ્વરના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પસાર થઈ રહી હતી. દરમિયાન રોંગ સાઈડએ ફુલ સ્પીડ માં આવેલ ટ્રેક્ટરની લાઈટથી અંજાઈ જતાં ઉપરોક્ત કાર સિધી લાકડા ભરેલા ટ્રેક્ટરની ટ્રોલી સાથે ભટકાઈ હતી. કારમાં ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા કલ્પેશસિંહ જશવંતસિંહ સોલંકીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અને ચાલક પ્રહલાદસિંહ પર્વતસિંહ સોલંકીને પણ ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટરને મૂકી ત્યાંથી ભાગી ગયો હતો. અકસ્માત સર્જાતા લોકો ભેગા થઇ ગયા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ માં બંને લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કલ્પેશસિંહ જશવંતસિંહ સોલંકીને પુરતી સારવાર મળે તે પહેલા જ તેમનુ મોત નિપજ્યું હતું. આ બનાવ મામલે મૃતકના કાકા પોપટસિહ ફતેસિહ સોલંકીએ સેવાલીયા પોલીસમાં ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.