જામનગર ડેન્ટલ કોલેજ અને વાત્સલ્યધામ દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી.
સિંધુ ઉદય

જામનગર ડેન્ટલ કોલેજ અને વાત્સલ્યધામ દ્વારા આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી.
જામનગર, સંજીવ રાજપૂત: દર વર્ષે ૦૧ ઓક્ટોબરના દિવસને આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે આપણે વૃદ્ધો પ્રત્યે ઉદાર થવાનો તથા વૃદ્ધોની દેખરેખની જવાબદારી લેવાનો સંકલ્પ લેતા હોઈએ છીએ. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ-જામનગરના ચોકઠા વિભાગ દ્વારા આ દિવસે વૃદ્ધોના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમ, વસઈ જામનગર ખાતે ડેન્ટલ ચેકઅપ અને ચોકઠા બનાવી આપવાના કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં વૃદ્ધોનું યોગ્ય નિદાન કરી ચોકઠા બનાવવા માટે માપ લેવાની વ્યવસ્થા વૃદ્ધાશ્રમ ખાતે જ ઊભી કરવામાં આવી હતી. તેમજ લેબોરેટરીમાં તૈયાર થયેલા ચોકઠા વૃદ્ધાશ્રમ ખાતે જ વૃદ્ધોને આપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત વડીલોને મોટી ઉમરે થતી વિટામિનની ઉણપને દૂર કરવા, વિટામિનની ટેબલેટનું તથા વૃદ્ધોને ચોકઠા યોગ્ય રીતે સાચવવા માટે ડેન્ચર હાઇજીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તમામ નિદાન સારવાર તેમજ દવા અને કીટ વિતરણ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના ચોકઠા વિભાગ દ્વારા વિના મૂલ્યે કરવામાં આવ્યું હતું. ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ તથા હોસ્પિટલ જામનગરના ડિન ડો.નયનાબેન પટેલના માર્ગદર્શન તેમજ ચોકઠા વિભાગના વડા પ્રાધ્યાપક ડો.કવિતા ગુપ્તા, સીનીયર ડો.સંજય ઉમરાણીયાની આગેવાની હેઠળ આ સંપૂર્ણ કાર્યક્રમને સફળતાપૂર્વક અને પૂરતા સંકલન સાથે આયોજીત કરવા ચોક્ઠા વિભાગના તમામ ડોક્ટર સ્ટાફ, ઇન્ટર્ન ડોક્ટર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ તકે વાત્સલ્યધામ આશ્રમના સંચાલક શ્રીમતી ભાવનાબેન પરમાર તથા મેનેજિંગ ટ્રસ્ટી ભાસ્કરભાઈ રાઠોડે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.*+++++*
