વ્યસનની ટેવ હોવાથી પુત્રને પૈસા ન આપ્યા તો માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા
નરેશ ગનવાણી નડિયાદ
વ્યસનની ટેવ હોવાથી પુત્રને પૈસા ન આપ્યા તો માતા- પિતાને ઘરમાંથી કાઢી મૂક્યા
નડિયાદમાં રહેતા વૃધ્ધ શ્રમિક દંપતિના પુત્ર કોઈ કામ ધંધો ન કરી પોતાના વ્યસનની ટેવ હોવાના કારણે માતા-પિતા સાથે પૈસાની માંગણી કરી મારઝૂડ કરતો હતો. માતાએ પૈસા ન આપતા પુત્રએ માતા-પિતાને મારમારી ઘરમાંથી કાઢી મૂકતા મહિલા હેલ્પલાઇન મદદ લીધી. નડિયાદ શહેરમાં રહેતા શ્રમિક પરિવારે દિકરાના લગ્ન કરાવી આપ્યા હતા. પરંતુ દિકરાના વ્યસનના કારણે દિકરાની પત્ની તેના ત્રણ સંતાનોને મૂકી પિયરમાં જતી રહી હતી. ત્યારે માતાને કેન્સર હોવા છતાં તેઓ મજૂરી કરી દિકરાના સંતાનોની સાર-સંભાળ રાખતા હતા. ત્યારે દિકરો કોઈ કામ ધંધો કરતો ન હતો તેમજ વ્યસની હોવાના કારણે વારંવાર પૈસા બાબતે માતા-પિતા સાથે ઝઘડતો હતો. તાજેતરમાં દિકરાએ પૈસા બાબતે માતા-પિતા સાથે ઝઘડો કરી મારઝૂડ કરી હતી. વળી દિકરાએ પોતાના માતા- પિતાને ઘરમાંથી કાઢી મુક્યા હતા. જેથી માતાએ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને ફોન કરી મદદ માંગી હતી. દિકરાએ વૃદ્ધ માતા-પિતાને ઘરમાંથી કાઢી મૂકતા તે બે દિવસથી ભૂખ્યા હતા. અભયમ ટીમ બનાવ સ્થળે પહોચી સૌ પ્રથમ તેને જમવાની વ્યવસ્થા કરી હતી. અને તેમને સાંત્વના પાઠવી સમગ્ર બનાવની જાણકારી મેળવી હતી. જેમાં વૃદ્ધ માતાએ કહ્યુ હતુ કે દિકરાના સંતાનોને તે મજૂરી કરી ભરણપોષણ કરતા હતા પરંતુ દિકરાને વ્યસન કરવા માટે પૈસા ન આપતા તે ધાક ધમકી આપતો હતો. જો કે કાલ સવારે સારું થઈ જશે તેમ માની કોઈ ને કંઈ કહેતા ન હતા. પરંતુ દિકરાએ મારમારી ઘરમાંથી કાઢી મૂકતા અમારે મહિલા હેલ્પ લાઇનનો સહારો લેવો પડ્યો હતો. મહિલા હેલ્પલાઇન ટીમ વૃદ્ધ દંપતિનીઆપવીતી સાંભળી આશ્વાસનપાઠવ્યું હતું. અને દંપતિને નડિયાદ રૂરલ પોલીસ મથકે આગળની કાર્યવાહી કરવા માટે સોપવામાં આવ્યા હતા.