ઝાલોદ નગરના વણકતલાઇ હનુમાનજી મંદિરે જલારામ બાપાનો 224 મો જન્મોત્સવ ઉજવાયો.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ નગરના વણકતલાઇ હનુમાનજી મંદિરે જલારામ બાપાનો 224 મો જન્મોત્સવ ઉજવાયો.
જલારામ બાપાના મંદિરે ૨૨૪ દિવડાની મહાઆરતી, ભવ્ય ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરાયું
જલારામ બાપાનો જન્મ વિરપુર મુકામે 04-11-1799 ના રોજ થયો હતો અને તેમણે સમાધિ 23-11-1881 ના રોજ લીધી હતી તે સમયે તેમની ઉમર 81 વર્ષની હતી. જલારામ બાપા ગુજરાતમાં થઈ ગયેલ હિન્દુ સંતો પૈકીના એક છે તેથી તેમને સંત જલારામ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓએ પોતાનું જીવન સાધુ સંતોની સેવામાં સમર્પિત કરેલ હતું. તેઓને 18 વર્ષની ઉંમરે તેમના ગુરુ ભોજા ભગતે ગુરુ મંત્રમાં એક માળા અને શ્રી રામનું નામ આપ્યું હતું. જલારામ બાપાએ વિરપુરમાં આવતા જતા રાહગીરો અને સંતોની સેવા કાજે ભોજન કરાવવાની અલખ જગાવી હતી તે સદાવ્રત આજેય વિરપુર મુકામે ચાલતું જ રહે છે. જલારામ બાપાના વિવિધ પરચાને લઈ જલારામ બાપાના લાખો ભક્તો આ ચમતકારીક ભૂમિના દર્શન કરવા વિરપુર અચૂક આવતા હોય છે. ઝાલોદ નગરના વણકતળાઈ હનુમાનજીના પ્રાંગણમાં આવેલ જલારામ મંદિરે જલારામ બાપાનો 224 મો જન્મોત્સવ આજરોજ 19-11-2023 ના રવિવારના રોજ ધામધૂમથી ઉજવાયો. સવારથી જ મંદિરના પ્રાંગણમાં જલારામ બાપાના ભક્તો મંદિરે બાપાના દર્શન કરવા મંદિરે ઉમટી પડેલ હતા. જલારામ બાપાના જન્મોત્સવ પ્રસંગે આખા મંદિરને રોશની થી સજાવવામાં આવ્યું હતું. વણકતલાઇ મંદિર સમિતિ દ્વારા જલારામ બાપાના ૨૨૪માં જન્મોત્સવ નિમિત્તે ૨૨૪ દીવડાની મહાઆરતી કરી હતી તેમજ જલારામ બાપાના ભક્તો દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જલારામ બાપાના જન્મોત્સવ નિમિત્તે મંદિરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાપ્રસાદમાં કઢી ખીચડી અને બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ લોકોને આપવામાં આવ્યો હતો. આ મહાપ્રસાદનો લાભ નગરમાં રહેતા જલારામ ભક્તોએ મોટા પ્રમાણમાં લીધો હતો.