સ્વચ્છતાના મામલે દાહોદ પાલિકા પ્રમુખના વિસ્તારમાં જ દીવા તળે અંધારા જેવી સ્થિતિ
દાહોદમાં પહેલી ઓક્ટોબરથી ૩૧મી ડિસેમ્બર સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનને બે મહિના પૂરા થયા તેમ છતાં શહેરના વિવિધ વિસ્તારોમાં નજરે પડતાં ગંદકીના ઢગ આ સ્વચ્છતા અભિયાનની નિષ્ફળતાની ચાડી ખાઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકારના ફરમાનથી પહેલી ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન નો વાજતે ગાજતે જોર શોરથી આરંભ કરવામાં આવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં નગરજનોની સાથે સાથે વહીવટી તંત્ર, સ્થાનિક વહીવટી તંત્ર, રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ વગેરે જોડાયા છે. અને કેટલીક જગ્યાએ તો આ અભિયાન માત્રને માત્ર ફોટોસેશન બનીને રહી જવા પામ્યું હતું. જ્યારે કેટલીક જગ્યાની ગંદકી તો હજી કોઈના ધ્યાનમાં આવી નથી તેવું લાગી રહ્યું છે. શહેરમાં બે માસ સુધી સ્વચ્છતા અભિયાન ચાલ્યું હોવા છતાં શહેરના કેટલાક વિસ્તારમાં તો આજે પણ નર્કાગાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ બાબતે મીડિયા દ્વારા તંત્રનું ધ્યાન પણ અવારનવાર દોરવામાં આવ્યું હતું. તેમ છતાં કોઈને કોઈ કારણસર તે વિસ્તારોની સ્થિતિ હાલ પણ જૈસે થે જોવા મળી રહી છે. પાલિકા પ્રમુખના વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ પારાવાર જોવા મળતી ગંદકી રોગચાળાને નોતરી રહી છે. ત્યારે આ ગંદકી ક્યારે દૂર કરાશે? તે એક પ્રશ્ન છે. . દાહોદ શહેરના ગૌશાળા પાસેના ભીલવાડા વિસ્તારમાં પણ નર્કાગાર જેવી સ્થિતિ કેટલાય સમયથી જોવા મળી રહી છે. તે વિસ્તારમાં પ્રવેશતા જ નાકે રૂમાલ દબાવવા દરેકને મજબૂર થવું પડે તેવી સ્થિતિ છે. અને આ વિસ્તારની આવી સ્થિતિ બાબતે અખબારી અહેવાલના માધ્યમથી મીડિયા દ્વારા અનેક વખત સંલગ્ન તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં આ વિસ્તારની સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. સ્વચ્છ જગ્યાએ તો સફાઈ અભિયાનમાં નેતાથી માંડી રાજકીય પક્ષના કાર્યકરો સૌ કોઈ ઝાડુ મારવા તૈયાર થઈ જાય છે. પરંતુ આવા નર્કાગાર સમા વિસ્તારોમાં ઝાડુ મારવા તો શું પણ તે વિસ્તારમાં ફરકવા પણ કોઈ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે. તેને જ કારણે રોકેટ ગતિએ શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન આજે મંથર ગતિએ ચાલી રહ્યું છે. દાહોદમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. અને તેના કારણે કચરાના ઢગ પલળી જતા તે કચરામાં કોહવાટ થતાં રોગ ચાળાનો ભય વધતા તે કચરાના ઢગ તાકીદે યુદ્ધના ધોરણે દૂર કરી તે જગ્યા સાફ સુથરી બનાવવી જરૂરી થઈ પડ્યું છે. હાલ જોવા જઈએ તો દાહોદના મોટા ભાગના સ્લમ વિસ્તારોમાં ગંદકીના મામલે બદ થી બદતર સ્થિતિ જોવા મળી રહી છે. તે વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન તાકીદે હાથ ધરવાની તાપી જરૂર છે. ત્યારે આ વિસ્તારોમાં ક્યારે સફાઈ અભિયાન હાથ ધરીને તે વિસ્તારોને ગંદકી મુક્ત બનાવવામાં આવશે તે હવે જોવું રહ્યું!
દાહોદમાં રોકેટ ગતિએ શરૂ થયેલ સ્વચ્છતા અભિયાન મંથર ગતિમા થઈ જતા આશ્ચર્ય શહેરના સ્લમ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની તાતી જરૂર