નડિયાદ જીઆઇડીસીમાં આવેલી રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમા દરોડા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ જીઆઇડીસીમાં આવેલી રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરીમા દરોડા
નડિયાદની GIDCમાં ગેરકાયદે ચાલતા વેપાનો પર્દાફાશ એસઓજી પોલીસે કર્યો છે. આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવાતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાળી બનાવવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. આથી પોલીસે આ યુનિટના સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસના સ્ટાફને બાતમી મળી હતી કે, નડિયાદમાં કમળા રોડ ઉપર આવેલી જીઆઇડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની ફેક્ટરી આવેલી છે. જેમાં કોઈપણ જાતના પરવાના વગર ક્લોરલમાંથી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરે છે. આ કેમિકલ ખૂબ જ ઝેરી હોવાનું તેમજ નશો કરવા માટે ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોય છે જેથી પોલીસે ગઇકાલે સાંજે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
આ શેડ મુંબઈના કાંદીવલી વિસ્તારમાં રહેતા પ્રકાશ જેઠાભાઈ ગોપવાણીને ભાડે આપેલ હોવાનું જણાવ્યું હતું. તેમજ ફેક્ટરી પ્રકાશ જાતે ચલાવી રહ્યો હતો. પોલીસે તપાસ કરતા બે ભાગમાં મોટા હોલ આવેલા હતા. જેમાં કેમિકલ ભરેલા મોટા બેરલો પડ્યા હતા. બાજુના હોલમાં મશીનરી ગોઠવેલ હતી. આ બેરલોમાં કયા પ્રકારનું કેમિકલ ભરાયું છે તેની ચકાસણી માટે એફએસએલના અધિકારીઓને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા. એફએસએલે આ સીલ બંધ બેરલોનો પ્રવાહી તેમજ ઉત્પાદન કરેલ પીળાશ પડતા પાવડરનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું. તપાસમાં આ પાવડર નશાકારક ડુપ્લીકેટ તાડી બનાવવા માટે વાપરવામાં આવતો હોવાનું જણાય આવ્યું હતું. જેથી પોલીસે અહીંયા કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાતં પોલીસે ઓફિસના ટેબલોના ડ્રોવરમાં ફાઈલોમાં દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં આ યુનિટ પ્રકાશ જેઠા ગોપવાણીના નામે ચાલતું હોવાનું ઘટસ્ફોટ થયો હતો. પોલીસની તપાસમાં આ યુનિટમાં ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવતો હોવાનું બહાર આવ્યું છે અને તેના રોઝ ક્રિસ્ટલના નામથી ખોટા બીલો બનાવી આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ નશા કરવા માટે ડુપ્લીકેટ તાળી બનાવવા માટે ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ફેક્ટરીમાંથી લેપટોપ, પ્રિન્ટર તથા પ્રવાહી અને પાવડર મળી કુલ રૂપિયા ૧૯ લાખ ૬૮ હજાર ૫૦૦ તેમજ એક મોટરસાયકલ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો. પોલીસે આ યુનિટના સંચાલક પ્રકાશ જેઠાભાઈ ગોપવાણી ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સમગ્ર બાબતે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું કે ક્લોરલમાંથી પ્રક્રિયા કરી ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવવામાં આવતો હતો. જેનો ઉપયોગ ડુપ્લીકેટ તાડી બનાવવા માટે થતો હોય છે. આમ તો હકીકતમાં તેનો ઉપયોગ સિડેટીવ્સ અને એન્થેસ્ટિક તરીકે થતો હોય છે. પરંતુ હાલમાં આ પ્રતિબંધિત છે. મુંબઈનો પ્રકાશ છે તે આ ફેક્ટરી ચલાવતો હતો. તેમજ આ પાવડર પણ મુંબઈ ખાતે વેચવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી અગત્યના ડોક્યુમેન્ટ્સ, રો મટીરીયલ્સ, ફાઇનલ પ્રોડક્ટ સહિત ૧૯ લાખનું કેમિકલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ. રૂ. ૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

