નડિયાદમાં બ્રાન્ચ ખોલી રોકાણકારોએ રોકેલા રૂપિયા ચાઉ કરી લેતા ફરીયાદ નોંધાઇ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં બ્રાન્ચ ખોલી રોકાણકારોએ રોકેલા રૂપિયા ચાઉ કરી લેતા ફરીયાદ નોંધાઇ

નડિયાદ સ્ટેશન રોડ પરના પ્લેટેનિયમ કોમ્પલેક્ષમા મ્યુચ્યુઅલ બેનીફીટની બે બ્રાંચો ખોલી સ્કિમો ધરી ૨૧ રોકાણકારોના લાખો રૂપિયા ડૂબાડ્યા છે. રોકાણકારોને લેવાના નીકળતા રૂપિયા ૨.૮૦ કરોડ કંપનીએ ન આપતાં અને છેલ્લે હાથ અધ્ધર કરી દેતા આ સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં 3 સામે ફરિયાદ નોંધાઈ છે. નડિયાદમાં મંજીપુરા રોડ ઉપર આવેલ સંતરામનગર ખાતે રહેતા ભુપેન્દ્રસિંગ અવતારસિંગ નાગપાલ પોતે ઇલેક્ટ્રિકશીયનનો વ્યવસાય કરે છે. તેઓ વર્ષ ૨૦૦૫ મા સહરા ઇન્ડિયામાં કામ કરતા હતા દરમિયાન મંજીપુરા પૂજન બંગ્લોઝમાં રહેતા ઉમેશભાઈ બાલકૃષ્ણ પંજાબીના સંપર્કમાં આવ્યા હતા. વર્ષ ૨૦૦૮ બાદ ભૂપેન્દ્રસિંગે આ સહારા ઇન્ડિયાનું કામ છોડી દીધું હતું. વર્ષ ૨૦૧૬માં ફેબ્રુઆરી માસમાં ઉમેશભાઈ પંજાબી ભૂપેન્દ્રસિંગ નાગપાલને મળ્યા હતા અને જણાવેલ કે મે એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનીફીટ નિધિ લિમિટેડ નામની કંપની જે નડિયાદ ખાતે બ્રાન્ચ ખોલવામાં આવી છે આ કંપની સારું કામ કરે છે. તમને આગળ જતા નોકરીમાં લેવામાં આવશે. તેમજ કંપની વિશે વિવિધ પ્લાનમાં નાણા રોકવા અંગેની લોભામણી  માહિતી આપી હતી. જેમાં રીકરીંગ ખાતું, મંથલી ખાતુ અને એક, બે,પાંચ, સાત, દસ વર્ષની સ્કીમ તથા ફિક્સ ડિપોઝિટ સ્કીમ તેમજ રોકાણ કરવાથી વિવિધ ટકાવારી મુજબ નાણાં મળે તેવી સ્કિમો જણાવી હતી. નડિયાદ સ્ટેશન રોડ પર આવેલ પ્લેટિનિયમ પ્લાઝા કોમ્પ્લેક્સમાં બીજા માળે દુકાન મા આ એલીગ્લોબલ મ્યુચ્યુઅલ બેનીફીટ નિધિ લિમિટેડ નામની કંપનીની બ્રાન્ચ હોય કંપનીનો આર ઓ સી અમદાવાદ ખાતે થયેલ છે અને ગુજરાતમાં તેની મુખ્ય ઓફિસ અમદાવાદ નવરંગપુરા ખાતે  આવેલ છે. કંપનીના સીએમડી અને ડિરેક્ટરો તથા સંચાલકોએ બીજી કંપની વર્ષ ૨૦૧૮માં એલીગ્લોબલ માઇક્રો ફાઇનાન્સ એસોસિએશનના નામથી શરૂ કરી જેની નોંધણી ઉત્તરપ્રદેશના કાનપુર ખાતે થયેલી છે. આ બંને કંપનીઓના મુખ્ય કર્તાહર્તા તરીકે સીએમડી તરીકે રાજસ્થાન ઉદયપુરના શિશિર પ્રેમશંકર દરોલીયા તેમજ કંપનીના ડિરેક્ટર તરીકે સંજયકુમાર ભટ્ટાચાર્ય (રહે. લખનઉ ઉત્તરપ્રદેશ)ના છે. નડિયાદ બ્રાન્ચમાં તમામ વહીવટ ઉમેશ પંજાબી કરે છે. વર્ષ ૨૦૧૬ માં ભુપેન્દ્રસિંગે આ કંપનીમાં એક રિકવરી એકાઉન્ટ ખોલેલું જેમાં દર મહિને એક હજારની બચત કરતા હતા. જેનું એક વર્ષે નવ ટકા લેખે વ્યાજ તથા પાકતી મુદત એક વર્ષની મૂડી સાથેની રકમ મળશે તેવું નક્કી થયેલ હતું. આ વખતે આ ઉમેશભાઈએ ભુપેન્દ્રસિંગને નડિયાદ બ્રાન્ચમાં એજન્ટ તરીકે નિમણૂક કરી હતી.જેથી ભુપેન્દ્રસિંગ પોતાના પરિચિતોને આ કંપનીમાં બચત પેટે નાનું મોટું રોકાણ કરવા તેઓ સમજાવતા હતા. જેથી તેમના થકી લગભગ ૨૦ જેટલા ગ્રાહકો ઊભા કર્યા હતા. લાખો રૂપિયાનું રોકાણ કંપનીઓમાં કરેલ હતું. આ ઉપરાંત આ કંપનીની ખેડા તથા આણંદ જિલ્લામાં જુદી જુદી બ્રાન્ચો આવેલી છે. જેમાં ડાકોર, ઠાસરા, ઓડ, આણંદ, ખંભાત, ઉમરેઠ, સોજીત્રા વગેરે શહેરોમાં તેમજ રાજ્ય બહારના શહેરોમાં પણ આ કંપનીઓની બ્રાન્ચ આવેલી છે. આ ઉપરાંત આ કંપનીનો સેમિનાર વર્ષ ૨૦૧૮માં અમદાવાદના ટાગોર હોલ ખાતે પણ યોજાયો હતો. જેમાં ઘણા બધા રોકાણકારો આવેલા અને તે વખતે આ બંને કંપનીઓના સીએમડી શિશિર પ્રેમશંકર દરોલીયા, સંજય ભટ્ટાચાર્ય અને ઉમેશ પંજાબી મોટીવેશનલ સ્પીચ આપી સેમિનારમાં હાજર તમામ લોકોને કંપનીમાં નાનું મોટું રોકાણ કરવાથી ખૂબજ ઊંચું વળતર મળશે તેવી લોભામણી અને લલચામણી વાતો કરી હતી. શરૂઆતમાં રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા ઉપરોક્ત જણાવેલ સ્કીમ મુજબ રોકાણકારોને નાનું મોટું વળતર આપેલ હતું. જેથી તે વખત આ કંપનીમાં લોકોએ લાખો, કરોડો રૂપિયાનું રોકાણ કરેલ હતું. આ ભુપેન્દ્રસિંગ નાગપાલે પોતાના રૂપિયા ૩ લાખ ૫૦ હજાર અને તેમણે પરિચિતો દ્વારા કરેલા ૨૦ ગ્રાહકોના લાખો રૂપિયા આ બંને કંપનીઓમાં રોકાણ કરાવ્યા હતા. આ ભુપેન્દ્રસિંગ નાગપાલની મળવાપાત્ર રકમ સહિત ૨૦ વ્યક્તિઓના કુલ રૂપિયા બે કરોડ ૮૦ લાખ ૮૪ હજાર ૧૦૦ કંપની પાસેથી લેવાના બાકી નીકળે છે. આ રકમની મેચ્યોરિટી પૂરી થઈ જતા રોકાણકારો નાણાં લેવા માટે ડોક્યુમેન્ટ સાથે વારંવાર કંપનીની બ્રાન્ચ ઓફિસ જે નડિયાદ પ્લેટિનમ પ્લાઝામાં આવી છે ત્યાં આગળ ધક્કા ખાવા લાગ્યા હતા. જે બાબતે ભુપેન્દ્રસિંગ નાગપાલ તથા બીજા રોકાણકારોએ માર્ચ ૨૦૨૦માં કંપનીના ડાયરેક્ટર ઉમેશભાઈ પંજાબીને રૂબરૂ મળી રોકાણના નાણા પરત આપવાની વાત કરી હતી. તો ઉમેશભાઈ જણાવ્યું હતું કે હાલમાં કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન ચાલે છે તમારા રોકેલા નાણા લોકડાઉન ખુલ્યા પછી મળશે તેવો વાયદો કર્યો હતો. ત્યારબાદ ભુપેન્દ્રસિંગ નાગપાલે અને અન્ય રોકાણકારોએ રાહ જોઈ હતી પરંતુ આમ છતાં પણ રોકાણકારોના નાણા મળ્યા નહોતા. આથી લોકડાઉન ખુલ્યા બાદ કંપનીના ડાયરેક્ટર ઉમેશ પંજાબી તથા સંજય ભટ્ટાચાર્યને રોકાણકારોને રૂબરૂ મળ્યા તેમાં જણાવ્યું કે કંપનીની સ્થિતિ હાલમાં સારી નથી હજુ તમારા નાણા પરત આપવા અમને એક વર્ષ જેટલો સમય લાગશે. થોડા દિવસો બાદ આ બંને કંપનીઓના શિશિર પ્રેમશંકર દરોલીયા પણ બ્રાન્ચ ખાતે આવતા રોકાણકારોએ પોતાના રોકેલા નાણાની માંગણી કરી હતી. જેમાં બે વર્ષ જેટલી રાહ જોવી પડશે તેવું જણાવ્યું હતું. જોકે અગાઉથી જ વર્ષથી રાહ જોઈ બેઠેલા રોકાણકારો કહ્યું કે હવે કેટલી રાહ જોવી પડશે ત્યારે આક્રોશમાં આવેલા શીશિર દરોલીયાએ, ઉમેશ પંજાબીએ તથા સંજય ભટ્ટાચાર્યએ એકદમ ઉશ્કેરાઇ જાઈ તમામને કહ્યું કે હવે તમારા નાણાં નહીં મળે તમારે થાય તે કરી લેજો. જોકે બાદમાં મામલો ઠંડો પડતા કંપનીઓના શિશિરે રૂપિયા ૩૦૦ના સ્ટેમ્પ ઉપર રોકાણકારોને નાણા એક વર્ષમાં પરત આપવા બાબતે ડેકલેરેશનનું લખાણ કરી આપ્યું હતું.એક વર્ષ બાદ પણ આ ડેકલેરેશનની શરતોનું પાલન કરતાં ન હોય વારંવાર ભુપેન્દ્રસિંગ અને અન્ય રોકાણકારો રૂબરૂ અથવા તો ફોન મારફતે રજૂઆત કરતા હતા પરંતુ કંપની પરત કરવા અંગેના ખોટા ખોટા વાયદાઓ કરતા હતા. આ દરમિયાન ભુપેન્દ્રસિંગ નાગપાલને જાણવા મળ્યું હતું કે આ બંને કંપનીઓએ તેમના અને તેમના ગ્રાહકોના નાણા તો ડુબાડ્યા જ છે સાથે સાથે ખેડા આણંદ જિલ્લાના હજારો રોકાણકારોના કરોડો રૂપિયા રોકાણ કર્યા હોવાની માહિતી પણ મળી છે. આથી આ સંદર્ભે ભુપેન્દ્રસિંગ અવતારસિંગ નાગપાલે નડિયાદ ટાઉન પોલીસમાં કંપનીના સીએમડી શિશિર પ્રેમશંકર દરોલીયા (રહે. ઉદેપુર, રાજસ્થાન) તેમજ કંપનીના ડિરેક્ટર તરીકે સંજયકુમાર ભટ્ટાચાર્ય (રહે. લખનઉ ઉત્તરપ્રદેશ) અને ઉમેશ બાલકૃષ્ણ પંજાબી (રહે.સી/૧૫, પૂજન બંગ્લોઝ, મંજીપુરા,નડિયાદ) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: