નડિયાદમાં કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદમાં કુપોષણ મુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ડૉ. આંબેડકર ભવન, નડિયાદ ખાતે કુપોષણ મુક્ત ખેડા જિલ્લો અંતર્ગત કાર્યક્રમ યોજાયો. નોંધનીય છે કે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અઢી માસ પહેલા શરૂ થયો હતો. અઢી માસના અંતે જિલ્લાના ૧૫૦ કુપોષિત બાળકોમાંથી ૧૪૦ થી વધારે બાળકો અતિ કુપોષણમાંથી બહાર આવ્યા છે અને ૧૨૭ (૮૫ ટકા) બાળકો અતિ કુપોષણમાંથી સામાન્ય કેટેગરીમાં આવ્યા. ઉપરાંત કુલ ૫૯ જોખમી સગર્ભા પૈકી ૩૨ સગર્ભાઓની સુરક્ષિત સંસ્થાકીય પ્રસુતિ કરાવવામાં આવી. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ દ્વારા કુપોષણ ડામવાની કામગીરીથી સકારાત્મક વિશ્વાસ ઉભો થયો છે. આ કાર્યને વધુ પ્રગતિશીલ બનાવવા તેમણે ઉપસ્થિત તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીઓને સંકલિત પ્રયાસ કરવા સુચન આપ્યું હતું. ઉપરાંત કુપોષણ નાબુદી માટે આરોગ્ય વિષયક પગલાઓ સાથે સાથે સામાજિક કારણો જેમ કે બાળલગ્ન વગેરને અટકાવવા સામાજિક સ્તરે પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. ઉપરાંત કુપોષણની સાથે ખેડા જિલ્લાને ટીબી મુક્ત ખેડા બનાવવાની દિશામાં પ્રયત્નો શરૂ કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે કુપોષણમુક્ત ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ ઉમદા કામગીરી બદલ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ પ્રોજેક્ટ અંતર્ગત ફીલ્ડ પર કામગીરી કરનાર આંગડવાડી અને આશા વર્કર બહેનો, દૂધ મંડળીઓ અને દાતાઓના સહયોગને વિશેષ બિરદાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે કુપોષણ નાબુદ કરવું એ સામાજિક જવાબદારી છે, કુપોષણ ગ્રસિત બાળકનો શારીરીક અને માનસિક વિકાસ અવરોધાય છે. કુપોષણને દૂર કરવાના પ્રયાસમાં શિવાની ગોયેલે સંપૂર્ણ સામાજિક સહયોગ માટે અનુરોધ કર્યો હતો. વધુમાં આગામી સમયમાં ખેડા જિલ્લાના ૧૦ તાલુકાઓમાં કુલ ૫૦૦ જેટલા કુપોષણ ગ્રસિત બાળકોને સુપોષણમાં લાવવાની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. વધુમાં આણંદ અમુલ ડેરી ચેરમેન વિપુલ પટેલે આગામી સમયમા કુલ ૫૦૦ બાળકોને કુપોષણમાંથી બહાર લાવવાની કામગીરી માટે સંપુર્ણ સહયોગની ખાતરી આપી હતી. આરસીએચઓ ડો. પઠાણ દ્વારા ખેડા જિલ્લો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત જાણકારી આપી હતી. આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર મનીષાબેન બારોટ અને સીડીએચઓ ડો.ધ્રુવે દ્વારા કાર્યકમ અંતર્ગત પ્રાસંગિક ઉદ્બબોધન આપી તમામને આવકારવામાં આવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લામાં કુપોષણમુક્ત પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત થયેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રોજેક્ટ સાથે જોડાયેલ તમામનું અભિવાદન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને આ પ્રોજેક્ટમાં સહયોગ આપનાર દાતાશ્રીઓને મંત્રી દેવુસિંહ ચૌહાણ અને અન્ય મહાનુભાવો દ્વારા સન્માનપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત કુપોષણમાંથી બહાર આવેલ બાળકોને રમકડાની કીટ અને અમુલ ડેરી દ્વારા પોષણકીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત તમામ મહાનુભાવો દ્વારા સેનેટરી નેપકીન (પેડ) વેન્ડિંગ મશીનની મુલાકાત લઈ મશીનની કામગીરી અને ફાયદાઓથી માહિતગાર થયા હતા. આ કાર્યક્રમમાં નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈ, મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા, ઠાસરા ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલા, માતર ધારાસભ્ય કલ્પેશ પરમાર, મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર કે. એલ. બચાણી, અમૂલ ડેરી ચેરમેનશ્રી વિપુલ પટેલ, અગ્રણી અજય બ્રહ્મભટ્ટ, અગ્રણી નલિનીબેન પટેલ, તાલુકા પ્રમુખ મેધાબેન પટેલ, જિલ્લા ખેતવાડી અધિકારી ડી.એચ. રબારી, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પ્રોજક્ટ અંતર્ગત દાતાઓ, વાલીઓ અને બાળકો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.