ખેડા એલસીબીએ ૧૧.૮૮ લાખની સંતાડી રાખેલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા એલસીબીએ ૧૧.૮૮ લાખની સંતાડી રાખેલ ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડયો
કઠલાલ પાસેના પીઠાઈ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાં સંતાડી રાખેલ ચાઈનીઝ દોરીનો જથ્થો પકડી લેવાયો છે. ચાઈનીઝ દોરીના અલગ-અલગ માર્કાના કુલ ૯૮ બોક્સમાં ટેલર નંગ ૪૯૨૦ મળી આવ્યો છે. આ બનાવમાં પોલીસે બે ઈસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખેડા એલસીબી ટીમના માણસો કઠલાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન એલસીબીના અ.હે.ડ.કો. વિનોદ કુમાર નામદેવ અને આ.પો.કો. કેતનકુમારને બાતમી મળી હતી કે મહુધા તાલુકાના સિહુજ ગામનો મનીષ મનુભાઈ પટેલ જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો મંગાવી પિઠાઈ ગામની સીમમાં રહેતા મહેશ ઉર્ફે પંકજ રમણભાઈ પટેલના ખેતરમાં સંતાડ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસે પીઠાઈ ગામની સીમમાં મહેશ ઉર્ફે પંકજ રમણભાઈ પટેલના ખેતરમાં પહોંચ્યા હતા. જ્યાં આવેલ એક ઓરડીમાં તપાસ કરતા અહીંયાથી પોલીસને ચાઈનીઝ દોરીનો મોટી માત્રામાં જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. પોલીસે ગણતરી કરતા ચાઈનીઝ દોરીના અલગ-અલગ માર્કાના કુલ ૯૮ બોક્સમાં ટેલર નંગ ૪૯૨૦ કિંમત રૂપિયા ૧૧ લાખ ૮૮ હજારનો મળી આવ્યો હતો. જોકે બંને આરોપીઓ હાજર ન હોવાથી પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. મહત્વનું છે કે જિલ્લા કલેકટરે થોડા દિવસ પહેલા ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ જાહેરનામું બહાર પાડ્યું હતું. આમ છતાં પણ આટલી મોટી માત્રામાં આ ચાઈનીઝ દોરીનો જથ્થો ક્યાંથી લવાયો અને કેવી રીતે લવાયો અને જિલ્લામાં ક્યાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
