પીપળીયામાં પોણા બે વર્ષ અગાઉના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી.
નરેશ ગનવાણી નડિયાદ
પીપળીયામાં પોણા બે વર્ષ અગાઉના કેસમાં આરોપીને પાંચ વર્ષની સજા ફટકારી
ગળતેશ્વર તાલુકાના સોનીપુરાના પીપળીયામાં પોણા બે વર્ષ અગાઉ ગર્ભવતી મહિલાને નજીવી વાતે થયેલી તકરાર બાદ માર મારતા તેને ગર્ભપાત થયો હતો. આ મામલે સેવાલિયા પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો નોંધ્યો હતો. આ કેસ સોમવારે નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે એક આરોપીને ૫ વર્ષની સજા અને રૂ ૫ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે આરોપીના બંને પુત્રોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે. ગળતેશ્વરના સોનીપુરા ગામના પીપળીયા ફળિયામાં રહેતા ચંદ્રિકાબેન ભોઈ કૌટુંબિક સગાના લગ્નમાં ગયા હતા. જેમાં તેમના પિયરમાંથી નાનો ભાઈ અને તેની પત્ની જ્યોત્સનાબેન પણ આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં રાસ ગરબાના કાર્યક્રમમાં ચંદ્રિકાબેનના ભાભી જ્યોત્સનાબેનનો ધક્કો મોહન ભોઈની ભાણી મયુરીને વાગ્યો હતો. જેથી મોહનભાઈના બે પુત્ર વિજય અને અશોકે જ્યોત્સનાબેન સાથે ઝઘડો કર્યો હતો. તે સમયે ચંદ્રિકાબેને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ત્યારબાદ ચંદ્રિકાબેન અને જ્યોત્સનાબેન ઘરે જતા હતા. જ્યાં ફરીથી આ બાબતે મોહન અને તેના બંને પુત્રોએ જ્યોત્સનાબેન સાથે તકરાર કરી હતી. મામલો ઉગ્ર બનતાં મોહનભાઈ અને તેમના બંને પુત્રો વિજય અને અશોક ઉર્ફે ઢોલોએ જ્યોત્સનાબેન મારમાર્યો હતો. જેથી ચંદ્રિકાબેન વચ્ચે છોડાવવા પડતાં મોહનભાઈએ ચંદ્રિકાબેનના પેટમાં લાત મારી હતી. તે સમયે ચંદ્રિકાબેન ગર્ભવતી હતા. ચંદ્રિકાબેનને દુ:ખાવો થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ચંદ્રિકાબેનનો ગર્ભપાત થઈ ગયો હતો અને આ બનાવ અંગે જે તે સમયે સેવાલિયા પોલીસે પિતા અને બે પુત્ર સામે ગુનો નોંધ્યો હતો.આ કેસ સોમવારના રોજ નડિયાદ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુરે કોર્ટ સમક્ષ સાહેદોનાં પુરાવા અને દસ્તાવેજી પુરાવા રજૂ કરી દલીલ કરી હતી. જે કોર્ટે માન્ય રાખી મોહનભાઈ સનાભાઇ ભોઇને દોષિત ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. જ્યારે મોહનભાઇના બે દિકરા વિજય અને અશોકભાઈ ઉર્ફે ઢોલોને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.