કોલેજના ક્લાર્કને ઠગ ટોળકીએ ૫૩ લાખનો ચૂનો ચોપડ્યો.
નરેશ ગનવાણી નડિયાદ
કોલેજના ક્લાર્કને ઠગ ટોળકીએ ૫૩ લાખનો ચૂનો ચોપડ્યો
નડિયાદમાં રહેતાં અને હાલ આણંદની એક કોલેજમાં ક્લાર્કની નોકરી કરતાં સચિન પરમાર વર્ષ ૨૦૧૮માં આણંદ ખાતે રહેતો તેમનો મિત્ર અખિલેશ શાહ તેમની ઓફિસમાં આવ્યો હતો. ત્યારે સચિને મિત્રતાના ભાવે કહ્યું હતું કે મારી પત્ની અને મારો ભાઈ GPSCની પરીક્ષા આપે છે. તે બાબતે બંને મિત્રો વચ્ચે ચર્ચા થઈ હતી. બાદમાં એક વીક પછી અખિલેશે સચિનને ફોન કરી જણાવેલું કે એક સાહેબ આવ્યા છે જો તારે મળવાનું હોય તો તું નડિયાદ ખેતા તળાવ પાસે આવી જા. સચિન મળવા ગયો જ્યાં અખિલેશની સાથે એક ભાઈ ત્યાં હતો અખિલેશે ભાઈનો પરિચય મનદીપસિંહ વાઘેલા હોવાનું જણાવ્યું હતું.સચિનની મનદીપસિંહ વાઘેલા સાથે ઓળખાણ કરાવતાં અખિલેશે કહ્યું કે તારો ભાઈ અને ભાભી જે પરીક્ષા આપે છે તે વિભાગના મેઈન સાહેબના અતિ અંગત છે. જેથી સચીને પરીક્ષા બાબતે ચર્ચા કરી હતી. મનદિપે જણાવ્યું હતું કે હું જે સાહેબની સાથે હું કામ કરું છું તે ગુપ્તા સાહેબ મોટા અધિકારી છે તેમના જ હાથમાં બધાની નોકરી ફાઇનલ કરવાની સત્તા છે જે માટે તારે પૈસાનો વેવાર કરવો પડશે. જો નોકરી ફાઇનલ ન થાય તો તમારા પૈસા તમને પરત મળી જશે. તેઓ વિશ્વાસ મનદિપે સચિનને આપ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિએ જણાવ્યું કે હું સાહેબ સાથે વાત કરી જણાવીશ. આ પછી થોડા દિવસો બાદ અખિલેશનો ફોન સચિન પર આવ્યો અને જણાવ્યું હતું કે મનદીપ આપણને નડિયાદ મહાગુજરાત હોસ્પિટલ પાસે બોલાવે છે. જેથી સચિન તેમજ અખિલેશ બંને પહોંચ્યા હતા. જ્યાં હાજર મનદીપે જણાવ્યું હતું કે તમારા ભાઈ અને તમારી વાઈફની નોકરી પાક્કી થઈ ગઈ છે. જેની માટે એક વ્યક્તિના રૂપિયા ૧૫ લાખ એમ બે વ્યક્તિના કુલ રૂપિયા ૩૦ લાખ થશે. એડવાન્સ પેટે તમારે રૂપિયા ૧૦ લાખ આપવા પડશે. બે દિવસ બાદ સચિને અખિલેશની હાજરીમાં મનદીપને નડિયાદના ખેતા તળાવ પાસે રૂપિયા 2 લાખ આપ્યા હતા. સચિન પાસે બીજા નાણાની વ્યવસ્થા ન હોય તેઓએ થોડો સમય માંગ્યો હતાં. આ દરમિયાન સચિને મનદિપને કહ્યું હતું કે તેના અન્ય ત્રણ મિત્રો જોનશન ઠક્કર આઈજેક લીનસભાઈ ખરાડી અને મોહિત હર્ષદભાઈ ભટ્ટ પણ નોકરી શોધ છે. કંઇ હોય તો કહેજો. જે બાબતે આ મનદિપે પછી જવાબ આપવાનું જણાવ્યું હતું.થોડા દિવસ પછી મનદીપે સચિનને ફોન કરી જણાવેલું કે મારી ગુપ્તા સાહેબ જોડે વાત થઈ ગઈ છે જે મુજબ તમારા મિત્રોની નોકરીનું પણ થઈ જશે પણ અગાઉ જે રીતે નક્કી કરેલા છે તેમ એક વ્યક્તિ દીઠ રૂપિયા ૧૫ લાખ એમ કુલ પાંચ વ્યક્તિઓના ૭૫ લાખ આપવાના થશે. આમ એડવાન્સ રૂપિયા સાડા ચાર લાખ સચિનના મિત્રોએ આપેલા હતા. આ બાદ જણાવેલું કે તમારા ૧૦ દિવસમાં એપોઇન્ટમેન્ટ લેટર મળી જશે. બાદમાં બાકી રહેલા નાણાંને ટુકડે ટુકડે અખિલેશ અને મનદીપને ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ અમદાવાદ રિંગરોડ નજીક એપોઇન્ટમેન્ટ લેટરના કામથી સચિનને બોલાવ્યો હતો. જ્યાં તેમનો પરિચય ચિરાગ પટેલ, ધવલ પટેલ અને જીગર નામના વ્યક્તિ સાથે કારવ્યો હતો અને વિશ્વાસમાં લઈ સચિન અને તેમના મિત્રો પાસેથી અલગ અલગ રીતે રોકડ રૂપિયા તેમજ ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂપિયા ૫૩ લાખ ૨ હજાર ૯૭૦ પડાવી લીધા હતા. આ વખતે ગુપ્તા નામનો વ્યક્તિ પણ હાજર હતો. જેણે જણાવેલું કે તમારું કામ મારા હાથમાં છે જે જલ્દી પૂરું કરી દઈશ તે બાબતે તમે નિશ્ચિત રહો. બાદમાં ચિરાગે સચિનને ગાંધીનગર સચિવાલય ગેટ નજીક આવેલા એક એટીએમ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યો હતો. જ્યાં સચિને ઓરિજનલ ડોક્યુમેન્ટ બતાવતા તે જોઈ ચિરાગે ડોક્યુમેન્ટ પરત કરી દીધા હતા અને તમારા ડોક્યુમેન્ટ વેરિફાઈ થઈ ગયા છે. ટૂંક સમયમાં તમારું કામ પતી જશે તેવી બાંહેધરી આપી હતી. જોકે ત્યારબાદ પણ એપોઇન્ટમેન્ટ લેટર ન મળતા અવારનવાર ઉપરોક્ત લોકોને સંપર્ક કર્યો તો જણાવેલું કે, એપોઇન્ટમેન્ટ લેટર તૈયાર થઈ ગયા છે. અખિલેશે સચિનને વોટ્સએપથી અવાજ વગરનો વીડિયો મોકલ્યો હતો. જેમાં ગ્રુપ કોલમાં મનદીપ, અખિલેશ તથા ગુપ્તા નામનો વ્યક્તિ હતો. આ ગુપ્તા વીડિયો કોલમાં ઓર્ડરના કાગળો બતાવતા હોવાનું અને બાદમાં મનદિપે તેના વોટ્સએપ ઉપર તેમની પત્ની તથા મિત્રોના એપોઈમેન્ટ લેટર મોકલાવેલા હતા. જોકે આ એપોઇન્ટમેન્ટ લેટર સચિનઈની પત્નીનો સહીવાળો તથા અન્ય સહી વગરના એપોઇન્ટમેન્ટ લેટર હતા. જેથી સચિનને શંકા જતાં એપોઇન્ટમેન્ટ લેટરની ખરાઈ કરાવતાં આ લેટર નકલી હતાં. ત્યારબાદ સચિને ઉપરોક્ત વ્યક્તિઓને ફોન કરી આપેલા નાણા પરત આપવાનુ જણાવત પાંચેય લોકો દર વખતે બહાના બતાવતા હતા અને જૂદા જૂદા વાયદા કરતા હતા. બાદમાં ગમે તેમ અપશબ્દો બોલી જો ફરી પૈસા માટે ફોન કર્યો તો તને પતાવી દઈશું અમારી પહોંચ છેક ઉપર સુધી છે તેવી ધમકીઓ પણ આપી હતી. આથી સચિન અને તેમના મિત્રો પાસેથી ઉપરોક્ત પાંચેય લોકોએ કુલ રૂપિયા ૫૩ લાખ ૨ હજાર ૯૭૦ પડાવી લઈ સરકારી નોકરી ન આપતા સચિન પરમારે નડિયાદ ટાઉન પોલીસમાં આ મનદિપસિંહ વાઘેલા, ચિરાગ પટેલ, ધવલ પટેલ, જીગર અને ગુપ્તા નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

