કેનાલના પાણીમાં હાથ ધોતા સમયે પગ લપસતા એક યુવકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
કેનાલના પાણીમાં હાથ ધોતા સમયે પગ લપસતા એક યુવકનું મોત નિપજ્યું
ખેડા જિલ્લાના ઠાસરા પાસે મહી કેનાલના પાણીમાં આણંદ તેમજ સામરખા ગામના બે યુવકો તણાયા હોવાની ઘટના બની છે. જેમા એક યુવકને કેનાલ કિનારે કપડા ધોતી મહિલાએ પોતાની સાડીનો પાલવ નાખી જીવ બચાવી લીધો છે. જ્યારે તેને બચાવવા ઝંપલાવનાર યુવક કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આણંદમાં રહેતા રેહાનખાન પઠાણ અને સામરખા ગામના વાગુપુરામાં રહેતો સુનિલ પરમાર બાઈક પર કામ અર્થે ખેડા જિલ્લાના ઠાસરા પંથકમાં ગયા હતા બંને કામ પતાવી બુધવારે સાંજે બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે સમયે ઠાસરાના મુળિયાદ ગામની સીમમાં પસાર થતી મહી કેનાલ પાસે બંને મિત્રો લઘુ શંકા કરવા ગયા હતા ત્યાર પછી રેહાનખાન પઠાણ મહી કેનાલના પાણીમાં હાથ ધોવા ગયો હતો. હાથ ધોતા સમયે પગ લપસતા રેહાનખાન પઠાણ કેનાલના પાણીમાં તણાવવા લાગ્યો હતો. કેનાલ કિનારે ઉભેલ સુનિલ પરમારે મિત્રને બચાવવા માટે કેનાલના પાણીમાં ઝંપલાવ્યું હતું જોકે તરતા આવડતું ન હોવાથી બંને મિત્રો પાણીમાં તણાવવા લાગ્યા હતા. આ દ્રશ્ય કેનાલ કિનારે કપડા ધોતા એક મહિલાએ જોયા હતા. અને મહિલાએ પોતાની સાડી કેનાલના પાણીમાં ફેંકી. સાડીનો છેડો તણાતા રેહાનખાન પઠાણે પકડી લીધો હતો. મહિલાએ સાડી ખેંચી રેહાનખાન પઠાણને કેનાલના પાણીમાંથી હેમખેમ બહાર કાઢ્યો હતો. અને સુનિલ પરમાર કેનાલમાં તણાઈ ગયો હતો.

