રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા દાહોદમાં આવતીકાલે સાંજે ભવ્ય રામોત્સવ યાત્રાનું આયોજન.
આવતીકાલ તારીખ 20 મી જાન્યુઆરી શનિવારના રોજ રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા શ્રી મનકામેશ્વર મહાદેવ મંદિર, પડાવ ખાતેથી ભવ્ય રામોત્સવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રામભક્તો, સનાતનિઓ, મહિલાઓ, યુવાનોને જોડાવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. ઇતિહાસને બદલતી ઐતિહાસિક ઘટના આઝાદીના અમૃત કાળમાં બનવા જઈ રહી છે. 500 વર્ષના સંઘર્ષ અને લાખો રામ ભક્તોના પ્રાણની આહુતિ બાદ અવધ નગરીમાં રામલલ્લા સ્વ જન્મસ્થલીમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. આ અદભુત પ્રસંગની ખુશીમાં મંદિરોમાં સફાઈનું કામકાજ પૂરજોશમાં છે. મંદિરોની લાઈટ ડેકોરેશન થકી સજાવટ કરવામાં આવી રહી છે. ગામે ગામ રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી માટે લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે 21 મી સદીના આ અદભુત અવસરને સદૈવ સ્મરણીય રાખવા મહાન દધિચિ ઋષિની દાહોદ નગરીમાં રામોત્સવયાત્રા સમિતિ દાહોદ દ્વારા દાહોદ સ્થિત શ્રીમનકામેશ્વર મહાદેવ મંદિર ખાતે થી આવતીકાલ 20 મી જાન્યુઆરી શનિવારના રોજ સાંજના સાડા ચાર વાગે ભવ્ય રામોત્સવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રામોત્સવ યાત્રાનું દયાળુ હનુમાનજી મંદિર, એમ.જી.રોડ, નગરપાલિકા ચોક ખાતે જય જય શ્રી રામના ગગન ભેદી નારા સાથે સમાપન થશે. આ રામોત્સવ યાત્રામાં સૌ નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા રામોત્સવ યાત્રા સમિતિ દાહોદ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.