દાહોદના વોર્ડ નંબર સાતમા આવેલ વણઝારવાડના રસ્તાની બદ થી બદતર હાલત સુધારવામાં આ વોર્ડના ચારે કાઉન્સિલરો નિષ્ફળ:
દાહોદ શહેર એક તરફ સ્માર્ટ સિટી બનવાની દિશામાં આગે કૂચ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત મંજૂર કરવામાં આવેલ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તેવા સમયે જુદી જુદી કામગીરી સંભાળતી એજન્સીઓ વચ્ચેના સંકલનના અભાવને કારણે રોડ બની ગયા બાદ કેટલીક જગ્યાએ સ્ટ્રોમ વોટરની જાળીઓ રોડ નીચે દબાઈ ગઈ હોવાથી તેમજ ભૂગર્ભ ગટરના ચેમ્બરો પણ રોડની નીચે દબાઈ ગયા હોવાથી તે રસ્તા પુન: ખોદવામાં આવી રહ્યા છે અને રસ્તા બનાવી, ખોદી, બનાવવાનુ આ નાટક છેલ્લા કેટલાય સમયથી નગરજનો મૂક પ્રેક્ષક બની જોઈ રહ્યા છે. દાહોદ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોની બેદરકારીને કારણે દાહોદ શહેરની મોટાભાગની ગલીઓમાં રસ્તાના કોઈ ઠેકાણા જોવા મળતા નથી. હાલ તો ઘણા મુખ્ય માર્ગો પણ ખાડા ખબચા વાળા જોવા મળી રહ્યા છે. પછી ગલીઓની તો વાત જ શુ કરવી? દાહોદના વોર્ડ નંબર સાતમાં આવેલ વણઝારવાડ
ના રસ્તા તો એટલી હદે તૂટી ગયા છે. અને એટલી હદે ખાડાઓ પડી ગયા છે કે વાહન ચાલકો તો શું પણ રાહદારીઓ પણ આ રસ્તા પરથી પસાર થવામાં ભારે અગવડતા અનુભવી રહ્યા છે. આ વોર્ડના ચારે કાઉન્સિલર પૈકીના એક મહિલા કાઉન્સિલર પાલિકામાં ઉપપ્રમુખ પદે બિરાજમાન છે. જેથી આ વિસ્તારની જનતા તેઓ પાસેથી આ વિસ્તારના વિકાસ માટે ઘણી આશાઓ રાખી રહી છે. પરંતુ તે મહિલા કાઉન્સિલર પોતાને મત આપી કાઉન્સિલર બનાવનાર તેમના મતદાતાઓને પોતાની કામગીરીથી ખુશ રાખવામાં નિષ્ફળ સાબિત થયા છે. માત્ર વાયદા કરવાથી રસ્તા બને તેમ નથી. કારણ કે વણઝારવાડના રોડની આ દુર્દશા ઘણા લાંબા સમયથી જોવા મળી રહી છે. આ રોડ માટે પાલિકાના સત્તાધીશો સમક્ષ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં જાણે આ વણઝારવાડ વિસ્તાર દાહોદ પાલિકાના હદ વિસ્તારમાં આવતો ન હોય તેમ તે વિસ્તારના ખાડાવાળા રોડના મામલે જવાબદારો દ્વારા દુર્લક્ષ સેવામાં આવી રહ્યું છે. આ વોર્ડ નંબર સાતમાં એક કાઉન્સિલર તો સતત બે ટર્મથી ચૂંટાઈ ને આ વિસ્તારનું પાલિકામાં પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમ છતાં આ વિસ્તારના વિકાસ માટે તેઓએ કાંઈ જ કર્યું ન હોવાની વ્યાપક ફરિયાદો છે. આ વિસ્તારના રસ્તા પરના ઊંડા ખાડાઓને કારણે લોકોના વાહનોને પારાવાર નુકસાન થતું હોવાની પણ લોકો ફરિયાદ કરી રહ્યા છે. દાહોદના વિકાસની મોટી મોટી વાતો કરનારા આ વિસ્તારના મહિલા કાઉન્સિલર અને દાહોદ પાલિકાના ઉપપ્રમુખ એવા શ્રદ્ધાબેન ભડંગ આ વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈ રસ્તા બાબતે આ વિસ્તારની જનતાની આપવીતી સાંભળી આ ખાડાવાળા રસ્તાઓ નવા બનાવી આપવાના પ્રયાસો વહેલામાં વહેલી તકે કરે તે તેઓના તથા આ વિસ્તારની જનતાના હિતમાં છે.