સરકારી નાણાકીય લાભ મળવાની નઠારી આશાએ છેલ્લા કેટલાય દિવસથી દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર દિશા વિહિન મહિલાઓની જોવા મળતી લાંબી કતારો.
ખાતુ ખોલાવવાથી સરકાર દ્વારા નાણાકીય લાભો મળશે તેવી લોકમૂખે થતી વાતોથી ગેરમાર્ગે દોરાયેલ ગ્રામ્ય મહિલાઓ છેલ્લા કેટલાક દિવસોથી દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ પર લાંબી કતારોમાં વહેલી સવારથી સાંજ સુધી ભૂખ્યા તરસ્યા ઊભા રહ્યા બાદ પોસ્ટ ઓફિસના સત્તાવાળાઓ તરફથી કોઈ પ્રત્યુતર ન મળતા વિલા મોઢે નિરાશ વદને પરત ઘરે જતી જોવા મળી રહી છે. દાહોદ જિલ્લાની મોટાભાગની ગ્રામ્ય મહિલાઓની નિરક્ષરતા છતી કરતી ઘટનામા દાહોદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની બહાર ખાતું ખોલાવવાથી સરકારી નાણાકીય લાભ મળવાની આશાએ કોઈની ખોટી વાતોમાં દોરાઈને જુદા જુદા ગામડાઓમાંથી આવેલી મહિલાઓની લાંબી લાઈનો છેલ્લા કેટલાય દિવસોથી વહેલી સવારથી જોવા મળી રહી છે. આ મહિલાઓ માત્રને માત્ર લોકોના મુખે થતી ચર્ચાઓથી દોરાઈને પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા વહેલી સવારથી લાઈનમાં ઊભી રહી જાય છે. અને આખો દિવસ ભૂખી તરસી લાઈનમાં ઊભા રહ્યા બાદ પોસ્ટ ઓફિસના જવાબદારો દ્વારા આ મામલે કોઈ જવાબ ન આપવામાં આવતા તે મહિલાઓ સાંજે નિરાશ વદને પરત ઘરે ફરતી જોવા મળી રહી છે. આ ઘટનાક્રમ છેલ્લા પંદર વીસ દિવસથી સતત ચાલી રહ્યો છે. તેમ છતાં તંત્ર પણ આ બાબતે મૌન સેવતું જોવા મળી રહ્યું છે. જ્યારે નિરાશ વદને પરત ઘરે જઈ રહેલી કેટલીક મહિલાઓને કોઈ સામાજિક કાર્યકરે પૂછતા તે મહિલાઓએ એક જ વાત કરી હતી કે, અમને ખબર નથી કે ખાતું ખોલાવવાથી કયા લાભો મળશે ?ગામના લોકોને મોઢે સાંભળ્યું કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવાથી સરકાર નાણાકીય લાભો આપશે. જેથી નાણાકીય લાભ મળશે તેવી આશાઓથી ખાતું ખોલાવવા અમે આવ્યા છીએ. હાલ રાજકીય આગેવાન કેતનભાઇ બામણીયા દ્વારા સરકાર સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે લોકસભાની ચૂંટણી આવતા પહેલા યોજનાઓની માહિતી વગર અશિક્ષિત લોકોને ગેરમાર્ગે દોરી કૂટ રાજનીતિ કરવામાં આવી રહી છે. સાથે સાથે તેઓએ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવવા આવતી અશિક્ષિત મહિલાઓને સમજાવવા લાગતી વળગતી યોજનાઓની પૂરતી માહિતી આપવાનું આયોજન કરવાની અપીલ કરી છે. અને સાથે સાથે તેઓએ એ એ પણ જણાવ્યું કે ક્યાંક ને ક્યાંક સરકાર અથવા સત્તાધારી લોકોના માણસો આ અશિક્ષિત મહિલાઓને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. જેથી આ બાબતે તંત્ર ધ્યાન આપે તે ખાસ જરૂરી છે.