દાહોદ સ્ટેશન રોડ ઉપર આવેલ કાપડની બે દુકાનોમાં તસ્કરોએ ખાતર પાડી લાખ ઉપરાંતની મતાનો હાથ ફેરો કરી જતા દાહોદ પોલીસ દોડતી થઈ.
દાહોદ સ્ટેશન રોડ પર કાપડની બે દુકાનોમાં તસ્કરો એ ખાતર પાડી એક લાખ ઉપરાંતની કિંમતના તૈયાર કપડા તથા રોકડનો હાથ ફેરો કરી જતા દાહોદ એએસપી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને તપાસ માટે સાથે આવેલ પોલીસને જરૂરી સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે. જાણવા મળ્યા મુજબ ગત રાતે દાહોદ શહેરના સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક પાસપાસે આવેલ કાપડની બે બંધ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. અને તે બે પૈકીની એક દુકાનના ધાબા પર ચડી ધાબાના દરવાજાનું નકુચો વાળી દઈ દરવાજો ખોલી તે સીડી વાટે દુકાનમાં પ્રવેશ્યા હતા. અને તે દુકાનના ગલ્લામાં મુકેલ રૂપિયા એક લાખ ચાલીસ હજારની રોકડ તથા 10,000 રૂપિયાની કિંમતના તૈયાર કપડા તેમજ પાસેની દુકાનના ધાબા પરના દરવાજાનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી દુકાનના ગલ્લામાંથી રૂપિયા 1000 ની રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી તદ્દન અજાણ દુકાન માલિક સંજયભાઈ બચ્ચાણી આજરોજ સવારે દસેક વાગ્યાના સુમારે પોતાની દુકાને આવ્યા અને દુકાન ખોલતા જ દુકાનમાં મુકેલ તૈયાર કપડા વગેરે વેરવિખેર નજરે પડતાં તેઓને પોતાની દુકાનમાં ચોરી થઈ હોવાની શંકા પડતા તેઓએ આ અંગે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં દાહોદ એએસપી કે સિદ્ધાર્થ તેમજ દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન એન પરમાર પોલીસ કાફલા સાથે તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેમાં ત્રણ તસ્કરો દુકાનમાં ચોરી કરતા હોવાનું જણાઇ આવ્યું હતું. આ તસ્કરોએ કેમેરામાં પોતે કેદ ન થાય તે માટે કેમેરા સાથે છેડછાડ કરવાના પણ પ્રયાસ કર્યા હતા.આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાઇ ન હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ આ ઘટના અંગેની તપાસ દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ એએસપી કે સિદ્ધાર્થના માર્ગદર્શનમાં ચોક્કસપણે કરી રહી છે.