પરિણીતાને પતિએ દાગીના અને રૂપિયાની માંગણી કરી મારઝુડ કરતા ફરીયાદ નોધાઇ
નરેશ ગનવાણી નડિયાદ
મહુધા પંથકમાં રહેતી પરીણિતાને પતિ અને સસરાએ રૂપિયા તથા દાગીનાની માગણી કરી જે પીડીતાએ ન સંતોષતા પતિએ પીડીતા સાથે મારઝુડ કરી છે. પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામની સીમમાં રહેતી યુવતીના લગ્ન આજથી ૮ વર્ષ પહેલા મહુધા તાલુકાના નંદગામે રહેતા યુવાન સાથે થયા હતા. લગ્ન બાદ પરીણિતાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. જેમાં બે દિકરાઓ છે. એક ૭ અને બીજો ૩ વર્ષનો છે. બીજા દિકરાના જન્મ બાદ પતિ અવારનવાર દારૂ પીને તેણીની સાથે કામકાજ બાબતે નાની-નાની બાબતોમાં ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. જોકે આ તમામ ત્રાસ પીડિતા મૂંગા મોઢે સહન કરી રહેતી હતી. ત્યારબાદ પતિ અને સસરાએ કહ્યું કે તું તારા પિયર માંથી રૂપિયા તથા દાગીના લઈ આવ તેમ કહી અવારનવાર મહેણાટોણા અને શારીરિક માનસિક આપતા હતા. ૧૦ ફેબ્રુઆરી ના રોજ પરિણીતા સુઈ રહી હતી. ત્યારે એકાએક પતિ આવીને તેના માથાના બોચીના ભાગે પાઇપથી માર મારી કહેલ કે તું ક્યાં ગઈ હતી તેમ કહી વાળ પકડી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જોકે તે સમયે પોતાના ભાઈ સાથે સરકારી દવાખાનામાં સારવાર કરાવી હતી. અને આ બનાવ સંદર્ભે ગઇકાલે પીડીતાએ પોતાના પતિ અને સસરા સામે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.