દાહોદમાં કાળાબજારિયાઓને નશ્યત કરવા તાલુકાના અધિકારીઓને કલેક્ટરશ્રીની સૂચના

દાહોદના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ તાલુકાના અધિકારીઓને કાળા બજારિયાઓને નશ્યત કરવા માટે સ્પષ્ટ સૂચના આપી છે. તાલુકા મથકના અધિકારીઓ સાથે વિડીઓ કોન્ફરન્સના મારફત યોજાયેલી બેઠકમાં કલેક્ટરશ્રીએ આ સૂચના આપી છે.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, લોકો તરફથી એવી રાવ મળી રહી છે કે કેટલાક વેપારીઓ દ્વારા જરૂરી વસ્તુઓ તથા પાનતમાકુની બનાવટની વસ્તુઓની ખરેખર કિંમત કરતા દોઢ કે બમણા ભાવ વસુલવામાં આવે છે. આ વેપારીઓ સામે નિયમોનુસારની કડક કાર્યવાહી કરવી જરૂરી છે. તાલુકા મથકે પોલીસ સહિતના અધિકારીઓની એક ટીમ બનાવી આ વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેવી તેમણે સૂચના આપી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે, હવે સૌએ કોરોના વાયરસ સાથે જીવતા શીખી જવું પડશે. એટલે, તેની સામે રક્ષણાત્મક પગલાંઓનું નાગરિકો સારી રીતે પાલન કરે એ સુનિશ્ચિત કરવું પડશે. આ માટે એસએમએસનો સિદ્ધાંતનું લોકો દ્વારા સારી રીતે અનુપાલન થાય એ જોવા માટે તેમણે તાકીદ કરી કરી છે. ખાસ કરીને દૂકાનો સહિતના સ્થળોએ નિયમિત રીતે આકસ્મિક ચેકિંગ કરતા રહેવા તેમણે સૂચના આપી હતી.
શ્રી ખરાડીએ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ગ્રામ્યકક્ષાએ એસએમએસ એટલે કે, સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશનનું પાલન કરાવવા માટે અત્યારે જે તાલુકા પંચાયત પાસે દંડ વસુલવાની સત્તા છે, એ ગ્રામ પંચાયતને સુપ્રત કરવા માટે કહ્યું છે. એટલે કે, હવે દાહોદ જિલ્લાના ગામડાઓમાં કોઇ માસ્ક પહેરાવ્યા વિના નીકળે તો ગ્રામ પંચાયત પણ તેની પાસેથી દંડ વસુલ કરી શકશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજે કહ્યું કે, ગ્રામીણ વિસ્તારોમાં લોકોને કોરોના વાયરસ સામે વધુ જાગૃત કરવામાં આવે એ રીતે કામગીરી કરવાની આશ્યક્તા છે. કોરોના વોરિયર્સ, ગ્રામ સેવકો અને તલાટી મંત્રીઓને આ બાબતે વધુ સક્રીય કરવા માટે તેમણે ભાર મૂક્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે, ગામ્ય સ્તરે આયુર્વેદિક ઉકાળાનું વધુમાં વધુ વિતરણ થાય અને લોકો આ ઉકાળાનું સેવન કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં ઉક્ત મુદ્દાઓ ઉપરાંત ક્વોરોન્ટાઇન, ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ ટ્રાવેલિંગ જેવી બાબતોની પણ ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ. જે. દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!