ઝાલોદ ખાતે વરોડ ટોલ નાકાનો વિવાદ વકર્યો : આંદોલનકારીઓ દ્વારા રોડ જામ કરી પ્રદર્શન કરાયું.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ ખાતે વરોડ ટોલ નાકાનો વિવાદ વકર્યો : આંદોલનકારીઓ દ્વારા રોડ જામ કરી પ્રદર્શન કરાયું
નકલી ટોલ માંગણીને સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગીના આંદોલનને કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા સમર્થન
અંદાજે તારીખ 07-03-2024 થી બોગસ ટોલ તેમજ નકલી ટોલ માંગણી માટે બેસેલ સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગીના સમર્થનમા આપ પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી દ્વારા ખુલ્લું સમર્થન કરી ધરણા પ્રદર્શનમા ભાગ લીધેલ હતો. સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગી એ રાજસ્થાન પર પાસ થયેલ ટોલ નાકાને વરોડ પર અમુક રાજકીય માથાના મીલી ભગત થી ઠોકી બેસાડેલ છે તેવા આક્ષેપો કર્યા હતા તેમજ આ ટોલ નાકું વર્ષો થી અહીંથી અવરજવર કરનાર વાહન ચાલકો પાસે ટોલ તો લે છે પણ રોડ અને લાઇટની સુવિધા આપવામાં વામણું પુરવાર થયેલ છે તેવા આક્ષેપો પણ કરવામાં આવેલ હતા. હડતાળ પર બેસેલા લોકોએ ટોલ નાકું નકલી છે તેવું કહેલ અને જો સાચું હોય તો તમામ રેકોર્ડ જાહેર કરી બતાવવાની માંગણી કરેલ હતી. ટોલ તરફથી તમામ દસ્તાવેજો બતાવવાની ખાત્રી આપવામાં આવેલ હતી પરંતુ આ ખાત્રી પૂરી ન થતાં 13-03-2024 ના રોજ ફરી સહુ સામાજિક આગેવાનો હડતાળ પર બેસી રોડ ચક્કાજામ કરેલ હતો.
આજ રોજ 13-03-2024 ના રોજ સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગીને તેમની રજૂઆત માટે સમર્થન આપવા દાહોદ જિલ્લા આપ પાર્ટી તેમજ કોંગ્રેસ તેમજ અન્ય સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પોતાની માંગણી પુરી કરવા માટે ટોલ રસ્તો બંધ કરી દેવામાં આવેલ હતો. રસ્તો બંધ કરી દેવાતા વાહનોની લાંબી લાઇન લાગી ગયેલ હતી. પોલીસ પ્રવાસન દ્વારા રોડ ખુલ્લો કરી આંદોલન પર બેસેલ લોકોને માંગણી માટે રોડ ખુલ્લો કરી બેસવા માટે આગ્રહ કરવામાં આવેલ હતો. પરંતુ આંદોલન પર બેસેલા કાર્યકર્તાઓ દ્વારા લેખિતમાં માંગણી પુરી કરે તેવી માંગ કરવામાં આવી હતી. પોલીસ અને આંદોલન પર બેસેલા કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ વધતા દાહોદ જિલ્લાની પોલીસ વરોડ મુકામે આવી પહોંચી હતી. પોલીસ પ્રશાસન દ્વારા રોડ ખુલ્લો કરી હડતાળ પર બેસેલા આગેવાનોને ડિટેઇન કરી લીમડી પોલીસ મથકે લઈ જવામાં આવેલ હતા. હડતાળ પર બેસેલ સ્થળ પર પોલીસ પ્રવાસન દ્વારા તાત્કાલિક ખાલી કરાવી આખો રોડ ખુલ્લો કરવામાં આવેલ હતો. આપ પાર્ટીના નરેશ બારીયા ,સામાજિક કાર્યકર્તા પ્રવીણ પારગી, કોંગ્રેસના સુભાષ પારગી તેમજ અન્ય કાર્યકર્તાઓને લીમડી પોલીસ સ્ટેશનમા લઈ જવામાં આવેલ હતા. કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમા લઈ જવાતા મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ તેમને છોડાવવા પહોંચી ગયેલ હતા.