ડાકોરમાં ફાગણી પૂનમને લઈને તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા
નરેશ ગનવાણી નડિયાદ
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમને લઈને નગરપાલિકા તંત્રએ બસ સ્ટેન્ડથી મંદિર સુધીના માર્ગ પર સ્થાનિકોએ કરેલા દબાણોને હટાવાયા છે. જેસીબી મશીન મારફતે દુકાનદારોએ આગળ વધારેલા છજા અને બોર્ડને ખસેડી દેવામાં આવ્યા છે.
યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમે આવી રહેલા પદયાત્રીઓને તકલીફ ન પડે તે માટે નગરપાલિકાએ ડાકોરમાં બસ સ્ટેન્ડથી મંદિર તરફના માર્ગ પર ગુરુવારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ પાલિકા વિભાગે કાચા પાકા દબાણો દૂર કર્યા છે. સ્થાનિકોએ કરેલા દબાણો જેમાં દુકાનદારોએ આગળ વધારેલા છજા, બોર્ડને દબાણ તડે ખસેડી દેવામાં આવ્યા છે અને માર્ગને ખુલ્લો કરાયો છે. આ ઉપરાંત લારીઓ વાળાને પણ ખસેડ્યા છે.
ડાકોર પાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર એટલે કે બસ સ્ટેન્ડથી મંદિર તરફ જવાના રોડ પર આજુબાજુના દુકાનદારોએ દબાણ કર્યા હતા. ઘણા લોકોએ પોતાનો માલ સામાન દુકાનની બહાર મૂક્યું હતું તો ઘણા લારીવાળા રોડની સાઈડ દબાવીને ધંધો કરતા હતા આ લોકોને દૂર કર્યા છે અને દુકાનદારોને સૂચનાઓ આપી છે. આ દબાણો દૂર થઈ જતા હવે ફાગણી પૂનમે કોઈ પદયાત્રિકને તકલીફ નહીં પડે.