ડાકોરમા માયાભાઈ આહીર અને વિમલ મહેતા લોકડાયરો પ્રસ્તૃત કરીને લોકોનુ મનોરંજન પુરી પાડશે
નરેશ ગનવાણી નડિયાદ
ખેડા જિલ્લાના ડાકોરમાં આવેલા સુપ્રસિધ્ધ રણછોડરાયજી મંદિર ખાતે ફાગણી પુનમ (હોળી) નિમિત્તે દર વર્ષે પદયાત્રીઓ-ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે. આ સમય દરમ્યાન તેઓના રાત્રી રોકાણ સમયે મનોરંજન હેતુ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીનાં ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા ડાકોર મેળા દરમ્યાન ડાકોર ફાગોણોત્સવ નિમિતે તા. ૨૨ અને ૨૩ માર્ચ ૨૦૨૪ દરમ્યાન વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ડાકોર ફાગોણોત્સવ નો વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ માંગલ્ય વિલા સામે, રાધાકુંડ રોડ ડાકોર ખાતે સાંજે સાત કલાકે શરૂ થશે અને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન આગામી લોકસભા ચૂટણી સંદર્ભે જાહેર થયેલ આદર્શ આચારસંહિતાનો અમલ થાય તેની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામા આવશે. આ કાર્યક્રમ દરમ્યાન સમગ્ર ગુજરાતમાંથી ખ્યાતનામ કલાકારો અને કલાવૃંદો આવી રહ્યા છે અને તેમના દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત થનાર છે. આ કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિ રૂપે ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર માયાભાઈ આહીર, તથા ખ્યાતનામ લોક સાહિત્યકાર વિમલ મહેતા પણ આ બે દિવસના કાર્યક્રમ દરમ્યાન પોતાની પ્રસ્તુતિ રજૂ કરવાના છે. ત્યારે ડાકોર ફાગણી પુનમ સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગીદાર થવા જિલ્લા વહીવટી તંત્ર, ખેડા દ્વારા ભાવિક ભક્તજનો તથા ખેડા જિલ્લાના તમામ નાગરીકોને જાહેર નિમંત્રણ પાઠવવામા આવે છે.
ડાકોર ફાગણી પુનમ-૨૦૨૪ સાંસ્કૃતિક કાર્યક્રમમાં પ્રથમ દિવસ તા. ૨૨ માર્ચ ૨૦૨૪ (શુક્રવાર)ના રોજ સાંજે ૭ થી ૧૦ કલાક દરમિયાન કૃષ્ણમયી – બીના મહેતા એન્ડ ગૃપ, અમદાવાદ દ્વારા કૃષ્ણભક્તિ નૃત્ય ગોવાળીયો રાસ મંડળ, સુરેન્દ્રનગર દ્વારા ઝાલાવાડી રાસ, નમ્રતા શાહ એન્ડ ગૃપ, નડિયાદ દ્વારા જયતું જયતું ગુજરાતમ, જગદીશ વસાવા એન્ડ ગ્રૂપ, આણંદ દ્વારા હોળીની થીમ પર સેમી ક્લાસીકલ ડાન્સ, સંસ્કાર ગૃપ, ભાવનગર દ્વારા મિશ્ર રાસ, ત્વીશા વ્યાસ – ધ ડાન્સીંગ વાયોલિન, બારડોલી દ્વારા વાયોલીન ગરબો અને સુપ્રસિદ્ધ ડાયરા કલાકાર માયાભાઈ આહીર દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે.
જ્યારે દ્વિતીય દિવસ તા.૨૩ માર્ચ ૨૦૨૪ શનિવારના રોજ સાંજે ૭.મ થી ૧૦ કલાક દરમિયાન તપસા ડાન્સ એકેડમી, નડીઆદ દ્વારા ગણેશ વંદના, નટરાજ ગ્રૂપ, રાજકોટ દ્વારા પ્રાચીન ગરબો; જિગ્નેશ સુરાણી એન્ડ ગ્રૂપ, રાજકોટ દ્વારા કાલીયા દમન; સુંદરમ કલ્ચરલ ગૃપ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, ગાંધીનગર દ્વારા મિશ્ર રાસ; કલાસગર પરફોર્મિંગ આર્ટ્સ, નડીઆદ દ્વારા ટિપ્પણી નૃત્ય, કારડીયા રાજપુત સમાજ ગૃપ, રાજકોટ દ્વારા ઢાલ તલવાર રાસ, અરવિંદ વસાવા, (આદિવાસી યાહામોગી નવ યુવક કલા ટ્રસ્ટ) નર્મદા દ્વારા વસાવા હોળી નૃત્ય અને ઉભરતા લોક ગાયક વિમલ મહેતા દ્વારા લોક ડાયરો રજૂ કરવામાં આવશે.