વડતાલધામ માં ભવ્ય રંગોત્સવ ઉજવાશે, ૪૦ હજાર કિલો રંગોનો ઉપયોગ કરવામાં આવશે.
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલ શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે ફાગણસુદ પુનમ હોળીના શુભદિને તા.૨૫ માર્ચને સોમવારના રોજ વડતાલ મંદિરના પટાંગણમાં રંગોત્સવ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, તથા બંન્ને લાલજી મહારાજ, ચેરમેન, મુખ્ય કોઠરી તથા વડીલ સંતોની ઉપસ્થિતિમાં ઉજવાશે. આ પ્રસંગે ૪૦ હજાર કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવશે. હોળી પર્વના શુભદિને મંદિરમાં બિરાજતા દેવોને ૨૫૦ કિલો કેસુડાના ફુલોનો શણગાર ધરાવવામાં આવશે. ઉપરાંત ૫૭૦ કિલો ધાણી-ચણા-ખજૂર-હરડા અને ખારીસીંગનો અન્નકુટ ધરાવવામાં આવનાર હોવાનું વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યું હતું.
ભગવાન શ્રીહરિએ વડતાલ જ્ઞાનબાગમાં ભવ્ય રંગોત્સવ યોજ્યો હતો. શ્રીહરિએ જ્ઞાનબાગમાં કલર માટે બે મોટા હોજ બનાવડાવી તેમાં રંગ ભરવામાં આવ્યા હતા. જ્યારે નિષ્કળાનંદસ્વામીએ ૧૨ બારણાનો ભવ્ય હિંડોળો બનાવી તેમાં શ્રીજીને ઝુલાવવામાં આવ્યા હતા. આ ભવ્ય રંગોત્સવ માણવા દેશો દેશના ૧ લાખથી વધુ સત્સંગીઓ ઉમટી પડ્યા હતા. બ્રહ્માનંદસ્વામીે વડતાલની ફુલવાડીએ હિંડોળો આંબાનીડાળ… કિર્તન રચ્યું હતું. જે સમગ્ર સંપ્રદાયમાં બહુજ પ્રચલિત છે. શ્રીહરિએ વડતાલ ઉપરાંત પંચાળાના હરિભક્ત ઝીણાભાઇના ઘરે પણ રંગોત્સવ ખૂબજ ભવ્યતાથી ઉજવ્યો હતો. ઝીણાભાઇએ તે સમયે ૧૮ ગાડા ભરી અબીલ ગુલાલ તથા વિવિધ રંગો લાવ્યા હતા. શ્રીજીએ બ્રહ્માનંદસ્વામી અને નિત્યાનંદ સ્વામીનાબે વિભાગોમાં તમામ સંતો ભક્તોને વહેંચી દીધા હતા. પણ બંને પક્ષોને સામસામે રંગે રમાડ્યા હતા. વડતાલમાં તા.૨૫મી માર્ચે મંદિરના પટાંગણમાં ભવ્ રંગોત્સવ આચાર્ય મહારાજ અને સંપ્રદાયના સંતો મહંતોની ઉપસ્થિતમાં ઉજવાશે. દ્વિશતાબ્દી મહોત્સવ અન્વયે આ પ્રસંગે ૧૦૦-૧૦૦ ફૂટના વિવિધ ઓર્ગોનિક રંગોના ૨૦૦થી વધુ બ્લાસ્ટ કરવામાં આવશે. દેવોના પ્રસાદીના કેસુડાના રંગથી હરિભક્તોને પીચકારીથી રંગવામાં આવશે. મંદિરમાં બિરાજતા દેવોને ૫૦ કિલો નાનીધાણી, ૫૦ કિલો મોટીધાણી, ૨૦૦ કિલો ખજૂર, ૫૦ કિલો ચણા ૫૦ કિલો ખારીસીંગ તથા ૫૦ કિલો હારડાનો અન્નકુટ ધરાવવામાં આવશે.
જ્યારે રંગોત્સવ બાદ રંગોત્સવમાં ઉપસ્થિત અંદાજીત ૫૦ હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. તો સૌ ખેડા જિલ્લાની ધર્મપ્રેમી જનતાને શ્રીજને સં રંગોત્સવ રમવાનું ભાવભીનું આમંત્રણ ચેરમેન દેવપ્રકાશસ્વામીએ પાઠવ્યું છે.