ખેડા જિલ્લામાં રવિવારે સાંજે આસ્થાભેર હોળી પ્રગટાવવામાં આવી

નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેર સહિત જિલ્લાના તમામ શહેર તથા ગામોમાં સંધ્યાએ ઢોલ નગારા સાથે પ્રજાજનો ભેગા મળીને હોળીકાનું પૂજન કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવી હતી. મહિલાઓ દ્વારા ધાણી, ખજૂર,કંકુ, અક્ષત, કેરી, આંબાનો મોર તથા જૂના વસ્ત્રો હોળીને અર્પણ કર્યા હતા. અને હોળીની પ્રદક્ષિણા કરી હતી.
ખેડા જિલ્લામાં રવિવારે હોળી પર્વ
ધામધૂમ અને આસ્થાભેર ઉજવાઇ હતી. જિલ્લામા નડિયાદ સહિત ૧૦ શહેરોમાં, શેરી અને મહોલ્લામાં ૯૦૦ ઉપરાંત સ્થળોએ સાંજે ૭ કલાકે હોળી દહનનો કાર્યક્રમ યોજાયો હતો. નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોની વિવિધ સોસાયટીઓના નાકા પર, પોળોમાં પીજભાગોળ, નાનાપોર, મોટાપોર, જવાહર નગર, પ્રમ પ્રકાશ સોસાયટી, પુજન બંગલોઝ, પટેલ સોસાયટી,ગિતાજલિ ચોકડી, વિવિધ વિસ્તારોના ચોક સહિત વિગેરે વિસ્તારોમાં હોળી દહનનો યોજાયો કરવામાં આવ્યો હતો. હોળી પ્રગટાવવા ની સાથે ભકત પ્રહલાદ અને હિરણ્યકશ્યપની એક કથા સંકળાયેલી છે. હોળી પર્વ નિમિતે અબાલવૃદ્ધો સૌ આખો દિવસ ધાણી, ખજૂર, સીંગ ચણા ખાઇને ઉપવાસ કર્યો હતો. અને હોળી પૂજન કર્યા બાદ લોકોએ રાત્રે પોતાના ઘરે પાકું ભોજન કર્યું હતું. આ રીતે આ પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. વસો તાલુકાના પલાણા ગામમાં રવિવારે સાંજે ૭ કલાકે ગામના બસ સ્ટેન્ડ નજીક ટાવર પાસે હોળી દહનનો કાર્યક્રમ યોજાયો. હોળી દહન બાદ પડેલા ધગધગતાં અંગારા ઉપર ખુલ્લા પગે ચાલવાની પરંપરા આજેય યથાવત છે.
