પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધથી પરીણિતાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
ખેડાના નવાગામે પતિના અન્ય યુવતી સાથેના આડા સંબંધથી પોતાની પત્નીને શારિરીક માનસિક ત્રાસ આપતો હોવાથી પરીણિતાએ પોતાના સાસરીમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખેડા તાલુકાના સારસા ગામની યુવતીના લગ્ન ખેડા તાલુકાના નવાગામે રહેતા રાહુલકુમાર રમેશભાઈ બારૈયા સાથે થયા હતા. આજથી એકાદ મહિના ઉપર પરિણીતા પિયરમાં આવી માતા પિતાને જણાવેલ કે રાહુલના કોઈ અન્ય યુવતી સાથે આડા સંબંધ છે. અને યુવતી સાથે ફોન ઉપર વાતો કર્યા કરે છે. અને મારી સાથે નાની નાની વાતોમાં બોલાચાલી તેમજ ઝઘડા કર્યા કરે છે. જોકે પરિણીતાના માવતરે તેને સમજાવી સાસરીમાં મોકલી હતી. પણ પતિ અવારનવાર તેણીને કહેતો. મારે બીજી પત્ની લાવી છે તેમ કહી ઝઘડાઓ અને મારઝુડ કરતો અને શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેથી પરિણીતા પિયરમાં આવી ગઈ હતી. અને સમગ્ર હકીકત પોતાના માવતરને કહી. અને પીડીતાએ કહ્યું કે હું મારા પતિના ત્રાસથી કંટાળી ગઈ છું મને મારું જીવન ટૂંકાવી નાખવા પતિ મજબૂર કરે છે.
૨૪ માર્ચના રોજ હોળીનો તહેવાર હતો પરિણીતાને માવતરે સમજાવીને સાસરીમાં મોકલી હતી. ૨૮માર્ચના રોજ રાજેશભાઈને તેમના વેવાઈનો ફોન આવ્યો. પરિણીતાને ખેંચ ચાલુ થઈ ગઈ હોય તેણીને સારવાર માટે લઈ જઈએ છે. રાજેશભાઈ અને તેમના પરિવારજનો તુરંત હોસ્પિટલ દોડી ગયા હતા. પરિણીતાના સાસરીના લોકો હોસ્પિટલના પગથિયે મળ્યા અને કહ્યું કે તેણીને ઘરે લઈ જઈએ છીએ. સાસરીમા આવતા રાજેશભાઈએ પોતાની દીકરી મૃત હાલતમાં જોઈ હતી. મરણજનાર પરિણીતાના ગળાના ભાગે નિશાન હતો. તેમણે મૃતક યુવતીનું પીએમ કરાવ્યું
અને રાજેશભાઈએ ડોક્ટર સાથેની વાતચીત કરતા ડોક્ટરે જણાવ્યું કે, મરણજનાર યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આથી આ બનાવ સંદર્ભે સસરાએ પોતાના જમાઈ રાહુલ કુમાર રમેશભાઈ બારૈયા વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.