ખેડાના સંધાણા નજીક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બે લોકોના મોત નીપજ્યા
નરેશ ગનવાણી નડિયાદ

માતર પાસે અમદાવાદ-વડોદરાના નેશનલ હાઇવે પર ગઇકાલે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક સહિત પાછળ બેઠેલ યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું.
આ યુવાનો બંન્ને મધરાતે હાઈવે પરની હોટલમાં જમવા આવતા હતા તે વખતે અકસ્માત સર્જાયો હતો.
કઠલાલ તાલુકાના છીપીયાલ ગામના શૈલેષ બાઇક પર પોતાની સાસરી બામરોલી પોતાના ૪ વર્ષના પુત્ર અને પત્ની સાથે આવ્યા હતા. ગઇકાલે મોડી રાત્રે શૈલેષ અને બામરોલી ગામના ગોપાલભાઈ નટુભાઈ સોલંકી બંને બાઇક પર હાઈવેની હોટલમાં જમવા આવ્યા હતા. તે દરમિયાન માતરના સંધાણા નજીક હાઈવે પર કોઈ અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારી હતી. જેથી ચાલક શૈલેષ અને પાછળ બેઠેલ ગોપાલભાઈ બંને રોડ પર પટકાયા હતા. જેના કારણે શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા બંને યુવાનોના સ્થળ પર જ કરૂણ મોત નિપજયા હતા. આ બનાવ મામલે મરણજનાર શૈલેષના પિતા મણીભાઈ અમરસિંહ ડાભીએ માતર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
