કોલ સેન્ટર દ્વારા અત્યાર સુધી કુલ ૧૭૬૮ વૃદ્ધો અને ૧૦૬૨ સગર્ભા મહિલાઓની તબીયત પૂછવામાં આવી, જરૂર પડે ત્યાં સારવાર માટે ટીમ મોકલાઇ

દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાયું એક વિશેષ અભિયાન
દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને
ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ

કોરોના વાયરસના વલ્નરેબલ ગ્રુપમાં આવતા વૃદ્ધો અને સગર્ભા
મહિલાઓની સંભાળ માટે ડીઆરડીએમાં બનાવાયું કોલસેન્ટર

દુનિયાદારીને પચાવીને જીવનની સંધ્યાના ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધોને સપને’ય એવો ખ્યાલ ન હોય કોરોના મહામારીના આ કાળમાં કોઇ સાવ જ અજાણ્યું તેમને ફોન કરીને પૂછે કે ‘તમારી તબિયત કેમ છે ?’ પણ, દાહોદમાં આવું થઇ રહ્યું છે. કોરોના વાયરસ જેમને લાગવાની શક્યતા સૌથી વધુ છે એવા દાહોદ જિલ્લાના ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ પ્રત્યે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ દરકાર રાખી ફોન કરી તબીયતની પૃચ્છા કરવામાં આવી રહ્યા છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, વલ્નરેબલ ગ્રુપમાં આવતા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ અને બાળકોની સંભાળ લેવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં એક કોલ સેન્ટર બનાવવામાં આવ્યું છે. વિવિધ સ્ત્રોતમાંથી ઉપલબ્ધ સંપર્ક નંબર ઉપર આરોગ્ય કર્મચારીઓ દ્વારા ફોન કરીને તબીયત અંગેની જાણકારી મેળવવામાં આવે છે. દાહોદ જિલ્લા માટે આ કોલ સેન્ટર એક વિશેષ અભિયાન છે. કોરોના સંક્રમણને ખાળવા માટે દાહોદ જિલ્લામાં બનાવવામાં આવેલા માસ્ટર એક્શન પ્લાન અંતર્ગત આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે
આ માટે આરોગ્ય વિભાગ દ્વારા એક ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં ઘરમાં વૃદ્ધોની સંખ્યા, તેમને બીપી, ડાયાબિટીસ, હ્રદય રોગ જેવી કોઇ બિમારી છે કે કેમ ? ઘરમાં જે તે બિમારીની દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કેમ ? તાવ, શરદી, ખાંસી છે ? ઘરમાં અલાયદા રહેવાની કોઇ વ્યવસ્થા છે કેમ ? સહિતના સવાલો પૂછવામાં આવે છે. જ્યારે, સગર્ભા મહિલાઓને મમતા કાર્ડ છે કે કેમ ? આયર્ન, ફોલિક એસીડ, કેલ્શીયમની ગોળી મળી છે કેમ ? શક્તિની બોટલ ચઢાવી છે કે કેમ ? તાવ, શરદી, ખાંસી છે ? એવા સવાલો પૂછવામાં આવે છે. આવા સવાલોના હકારાત્મક જવાબો મળે તો તે સંપર્ક નંબરને અલગ કરી જેતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આપવામાં આવે છે.
જેમ કે, ૩૦-૦૫-૨૦૨૦ના રોજ કોલ સેન્ટર દ્વારા સગર્ભા માતા શ્રીમતિ જશોદાબેન જેશલભાઇ નાયકનો સંપર્ક કરતાં જેઓનું હિમોગ્લોબીન ૫ ટકા જણાઇ આવ્યું હતું. આ નંબર દેવગઢ બારિયા તાલુકા આરોગ્ય કચેરીને રિફર કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને બાદમાં દવાખાનામાં દાખલ કરી લોહી ચઢાવવામાં આવ્યું હતું. સમયસર સારવાર મળતા આ સગર્ભા મહિલાના જીવ બચી ગયો હતો.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. ડી. પહાડિયાએ જણાવ્યું કે, તા. ૨ સુધીમાં આ કોલ સેન્ટર દ્વારા કુલ ૧૭૬૮ વૃદ્ધોને ફોન કરવામાં આવ્યા હતા. જે પૈકી ૪૧૦ને ડાયાબિટીસ, ૩૭૨ને બ્લડ પ્રેશર, પાંચને હ્રદય રોગ, ૩૯ને અસ્થમા, ૩ને કેન્સર તથા ૧૮ વૃદ્ધને ટીબીની બિમારી જણાઇ હતી. આમ આ કુલ ૮૪૭ વૃદ્ધો પાસે તેના રોગની દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હતો. સાત વૃદ્ધોને સામાન્ય શરદી ખાંસી થઇ હતી. તેમને દવા અંગેની જાણકારી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા આવા કો-મોર્બીડ વૃદ્ધોના ઘર બહાર સ્ટીકર પણ મારવામાં આવે છે.
એ જ પ્રકારે ૧૦૬૨ સગર્ભા મહિલાઓની તબીયત પૂછવામાં આવી હતી. જે પૈકી તમામ પાસે જરૂરી દવાઓ ઉપલબ્ધ હતી. જો કે, આ પૈકી કેટલીક મહિલાઓએ તંદુરસ્ત બાળકોને જન્મ આપ્યો હોવાથી તેમને રસીકરણની બાબતથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
કોલસેન્ટરમાં બેસી ફોન કરતા આરોગ્ય કર્મચારીઓને ક્યારેક કેટલીક વિચિત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે, કેટલાક લોકો પૂરતી માહિતી ના આપે તો તેમને સમજાવવું પડે છે કે શા માટે ફોન કરવામાં આવે છે ? કેટલાક લોકો ઓપરેટર ઉપર બિનજરૂરી રીતે ઉશ્કેરાઇને વાતો કરે. આમ છતાં, ઓપરેટર પોતાનું કામ જારી રાખે.
આ ઉપરાંત, આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયસરથી સાજા થઇ ઘરે ગયેલી વ્યક્તિને પણ આ કોલ સેન્ટરમાંથી ફોન કરી તેના આરોગ્યની જાણકારી મેળવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: