શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળની વાર્ષિક સામાન્ય સભા યોજાઇ
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળની
યોજાયેલ વાર્ષિક સામાન્ય સભા દરમિયાન સુવર્ણ લગ્ન, વડીલ વય વંદના અને અમૃત વય વંદના વડીલોને શાલ-સન્માનપત્ર આપી સન્માનિત કરાયા
નડીઆદ વર્તમાન સમયમાં એક-બીજા પ્રત્યે નાની-નાની બાબતોમાં થઇ રહેલી ગેરસમજના કારણે આજે સમાજમાં લગ્ન સંબંધો અને કુટંબોમાં તકરાર પેદા થઇ રહી છે. આવા સમયે સમાજમાં તૂટતાં જતાં લગ્ન સંબંધો અને તુટતાં કુટુંબોને બચાવવાની જવાબદારી આજના વડીલોએ અદા કરવી પડશે તેમ સમાજના શૈક્ષણિક ક્ષેત્રે આગવું પ્રદાન ધરાવતા અને વિશ્વ પ્રસિધ્ધ કંપનીના સીઇઓ પ્રકાશભાઇ શાહે જણાવ્યું હતું. વિસા ખડાયતા પ્રથમ એકડા પંચ સમસ્ત વડીલોનું વિશ્રામ મંડળની મળેલ વાર્ષિક સામાન્ય સભાના મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહેલા પ્રકાશભાઇ શાહે સમાજના તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તે માટે એક કાઉન્સેલિંગ બોડીની રચના કરવાનું સૂચન કર્યું હતું. તેમણે આજના વડીલોને તેઓના અનુભવોનું ભાથું કુટુંબ અને સમાજમાં પીરસતા રહી આજની યુવા પેઢીમાં બાળપણથીજ ધર્મ-સંસ્કૃતિના સુસંકારોનું સિંચન કરવાનો સમય પાકી ગયો હોવાનું જણાવી કુટુંબ અને સમાજમાં એકતા જળવાઇ રહે તેવી વિભાવનાને સાકાર કરવા પર ભાર મૂકયો હતો. શાહે આ પ્રસંગે જીવનના અમૃત વર્ષ, હીરક વર્ષ અને લગ્ન જીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર સર્વે વડીલો જીવનની શતાબ્દિ ઉજવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે અતિથિવિશેષ પદે ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણી સામાજિક કાર્યક્રર દિનેશભાઇ પી. શાહે પણ વડીલોને તેમના જીવનમાં હાસ્યરસ કેળવવા પર ભાર મૂકયો હતો. તેમણે સમાજના વડીલોનું પોતે વૃધ્ધ-વડીલ થઇ ગયા છે તેવી ભાવના સાથે ન જીવતા હજુ પોતે યુવાન જ છે તેવી ભાવના સાથે પોતાનું જીવન વ્યતિત કરવાની સાથે આજની યુવા પેઢી સતમાર્ગે વળે તેવા પ્રયાસો કરવા સુચવ્યું હતું. જ્ઞાતિના મેડીકલ રીલીફ ટ્રસ્ટના પ્રમુખ અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર ડી. કે. શાહે મેડીકલ ટ્રસ્ટની વિગતો આપી ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી સેવાઓનો જયારે જ્ઞાતિના પ્રમુખ યોગેશભાઇ શાહે જ્ઞાતિના જરૂરિયાતમંદો માટે ચલાવવામાં આવતી અન્ન યોજનાની વિગતવા વિગતો આપી તેનો લાભ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે મંડળના જે સભ્યોના લગ્નજીવનના પ૦ વર્ષ પૂર્ણ કરતા હોય તેવા સભ્યો, ૮૦થી વધુ વયના વડીલોને વડીલ વય વંદના અને જે સભ્યોના ૭૫ વર્ષ પૂર્ણ થયા હતા તેવા સભ્યોનું અમૃત વય વંદના અંતર્ગત શાલ-સન્માનપત્ર આપી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. લગ્નજીવનના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર સભ્યોને તેમના ૫૦ વર્ષ પહેલાં યોજાયેલ લગ્નદિનની યાદ આવે તે માટે ગોર મહારાજ પ્રકાશભાઇ દવે દ્વારા લગ્નવિધિ સહિત લગ્ન ગીતો ગાવામાં આવ્યા હતા.
આ પ્રસગે મંડળના કારોબારી સભ્ય અમીતભાઇ શાહે લગ્ન વિધિ દરમિયાન સરપ્રાઇઝ કાર્યક્રમ રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. મહેમાનોનો પરીચય અને સન્માનપત્રોનું વાંચન પંકજભાઇ શાહ, બંકીમભાઇ શાહ, નરેશભાઇ શાહ અને યોગેશભાઇ શાહે કર્યું હતું. પ્રારંભમાં મંડળના પ્રમુખ ગોવિંદભાઇ શાહએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જયારે મંત્રી સંજયભાઇ શાહે સમગ્ર વર્ષ દરમિયાન મંડળ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપી મંડળ દ્વારા આગામી સમય દરમિયાન યોજવામાં આવનાર વિવિધ કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લેવાનું જણાવી સૌના તરફથી સહકાર મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિનોદભાઇ શાહ અને શ્રી નરેશભાઇ શાહે કર્યુ હતું. જયારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સન્માનિત વડીલો, સમાજના શ્રેષ્ઠીઓ અને મહેમાનો તરફથી દાનની સરવાણી વહેવડાવવામાં આવી હતી. જયારે આભારવિધિ પ્રો. ચેરમેન શ્રી દિલીપભાઇ આર. શાહએ કરી હતી.
