જામીન પર છૂટયા બાદ ચોરીના મોપેડ અને બે મોબાઇલ સાથે ઇસમ ઝડપાયો
નરેશ ગનવાણી નડિયાદ

ખેડા કેમ્પ પાસેથી હત્યાના કેસમાં સંડોવાયેલો શખ્સ વચગાળાના જામીન પર છૂટયા બાદ ચોરીના મોપેડ અને બે મોબાઇલ સાથે ઝડપાયો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા ખેડા પોલીસ સ્ટેશન, અમદાવાદના ચાંગોદર અને વડોદરાના જવાહર નગર પોલીસ સ્ટેશનના ચોરીના ભેદ ઉકેલી મોપેડ અને બે મોબાઇલ રીકવર કર્યા છે.
ખેડા પોલીસે બાતમી આધારે ખેડા કેમ્પ જવાના રસ્તા પર એક શખ્સને ચોરીના મોપેડ અને બે મોબાઇલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે પુછપરછ કરતા પોતાનું નામ મહેશ રમેશભાઈ દેવીપુજક રહે ખેડા કેમ્પ ન તેને કબૂલાત કરી હતી કે તેણે મોપેડ અને મોબાઇલ વડોદરા શહેરના જવાહર પોલીસ સ્ટેશન હદમાંથી જ્યારે મોબાઇલ ખેડા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર માંથી ચોરી કર્યા કર્યા હતા. પોલીસે તપાસ કરતા મહેશ દેવીપૂજક સામે ખેડા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિતના છ ફરિયાદ નોંધાઇ છે. ત્યારે અમદાવાદના ચાંગોદર અને વડોદરાના જવાહર પોલીસ સ્ટેશનમાં પણ ચોરીના ગુનામાં ફરિયાદ નોંધાઇ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ખેડા પોલીસે અમદાવાદના ચાંગોદર, વડોદરા જવાહર નગર અને ખેડા પોલીસ સ્ટેશનના ચોરીનો ભેદ ઉકેલ્યો છે. નોંધનીય છે કે મહેશ અગાઉ હત્યાના ગુનામાં ઝડપાયો હતો. હાલ તે વચગાળાના જામીન પર છૂટીને જેલમાંથી બહાર આવ્યા બાદ ચોરીમાં હાથ અજમાવ્યો હતો.
