નડિયાદમાં રિક્ષામાંથી મુસાફરોના કિંમતી સામાન ચોરી લેનાર ત્રણ ઇસમો જેલમાં ધકેલાયા
નરેશ ગનવાણી નડિયાદ

રીક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમના કિંમતી મુદ્દામાલને ચોરી લેવાનો એક સુવ્યવસ્થિત રેકેટ ચલાવતી ચોર ગેંગને નડિયાદ ટાઉન પોલીસે ઝડપી પાડી હતી. જેનો ગુનાહિત ઈતિહાસ તપાસતા બે મુખ્ય સુત્રધાર વિરુદ્ધ કડી, કલોલ, અમદાવાદ, મહેસાણામાં અનેક ગુનાઓ નોંધાયાનું સામે આવ્યું હતું. પાંચેયને એક દિવસના રિમાન્ડ બાદ કોર્ટમાં રજુ કરતાં ત્રણને કોર્ટે જેલના સળિયા પાછળ ધકેલવાનો હુકમ કર્યો છે.
નડિયાદમાં સ્કુલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા પ્રીતીબેન પટેલ તા.૮મી એપ્રિલ ૨૦૨૪ના રોજ વિદ્યાર્થીઓની સ્કુલ ફી લઈને કોલેજ રોડ થી સ્ટેશન રોડ રિક્ષામા આવી રહ્યા હતા. તે દરમિયાન આ રીક્ષામાં સવાર પાંચ ઈસમો માંથી કોઈકે તેમના પર્સમાંથી ૪૪૭૫૦ સ્કુલ ફી ચોરી લીધી હોવા મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી. બનાવની તપાસ કરી રહેલ ટાઉન પીએસઆઈ એન.જે.પટેલે બનાવની જાણ થતાં ટીમ સાથે ગુનાની તપાસ હાથ ધરી હતી. રીક્ષાના નંબરના આધારે પાંચેયને નડિયાદ બાયપાસથી રીક્ષા સાથે દબોચી લીધા હતા. પોલીસે રીક્ષા, રોકડ ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રુ. ૧ લાખ ૭ હજાર ૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને પાંચેય ઈસમો ૧)અબ્દુલ ઉમરભાઈ અરબ (રહે.વટવા, અમદાવાદ), ૨)સાબાજખાન ફીરોઝખાન પઠાણ (રહે. એકતાનગર, વડોદરા), ૩)મહંમદઅલીખાન છોટેખાન પઠાણ (રહે. કડી, મહેસાણા), ૪) મોનીસ ઉર્ફે મોહસીન યામીન મન્સુરી (રહે.હાલ વટવા નવાપુરા, દરગાહની પાછળ, અમદાવાદ), ૫) મુસ્કાન મોહસીનની પત્નિની અટક કરી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પુછતાછમાં મહંમદઅલી વિરુદ્ધ કલોલ, અમદાવાદ, કડી અને અડાલજમાં છ ગુના તથા અબ્દુલ અરબ વિરુદ્ધ ઈસનપુર, મહેસાણા, સેટેલાઈટ, અડાલજ, સાંતેજ, અમરાઈવાડી, રાણીપ, રામોલ, વડનગર, સિદ્ધપુર, મણીનગર પોલીસ સ્ટેશનોમાંથી આઠથી વધુ ગુનાઓ નોંધાયેલા છે. અબ્દુલ ઉમર કાગડાપીઠ અમદાવાદ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો જ્યારે મહંમદઅલી કલોલ પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાનું સામે આવ્યું હતું.
