શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આજથી ચૈત્રી સમૈયાનો પ્રારંભ
નરેશ ગનવાણી નડિયાદ

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આજથી ચૈત્રી સમૈયો તથા ૨૪૩મા શ્રીહરિ પ્રાગટ્યોત્સવ અંતર્ગત મંગળવારે સાંજે ૫-૦૦ કલાકે ગોમતીજીથી વાજતે ગાજતે બેન્ડવાજા તથા ડીઝેના તાલે શ્રીસ્વામિનારાયણ મંત્રની ધૂન સાથે જળયાત્રા તથા પોથીયાત્રા નીજમંદિરે આવી હતી. આ પોથીયાત્રામાં લાલજી સૌરભપ્રસાદજી મહારાજ ,ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી, મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામી, તથા સત્સંગ મહાસભાના પ્રમુખ નૌત્તમપ્રકાશદાસજી સ્વામી, શ્રીમદ ભાગવત કથાના વક્તા. શા.સ્વા.નારાયણચરણદાસજી (વ્રજભૂમિ) તથા સંપ્રદાયના સંતો, મહંતો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. જળયાત્રા તથા પોથીયાત્રાની માહિતી આપતા ડો.સંતવલ્લભદાસજીસ્વામીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે વડતાલમાં કાર્તિકી તથા ચૈત્રી સમૈયામાં વણ તેડે વડતાલ આવવાની પોતાના આશ્રીતોને આજ્ઞા કરી છે. તા. ૧૭થી ૨૩ એપ્રીલ દરમ્યાન વડતાલ મંદિરમાં શ્રી લક્ષ્મીનારાયણદે વડતાલધામ દ્વિદશાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ વડતાલ ધામ આયોજીત ચૈત્રી સમૈયો ચૈત્રસુદ નોમથી ચૈત્રસુદ પુનમ સુધી આયોજન કરવામાં આવેલ છે. ચૈત્રી સમૈયા અંતર્ગત વડતાલ સભા મંડપમાં શ્રીમદભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તા પદે સ.ગુ.સા.સ્વા. નારાયણચરણદાસજી (વ્રજભૂમિ) મોગરનાઓ કથાનું રસપાન કરાવશે. શ્રીજીમહારાજે બાંધેલ ચૈત્રી સમૈયા દરમ્યાન તા.૧૭મીના રોજ રામનવમીના શુભદિને શ્રીહરિ પ્રાગટયોત્સવ અંતર્ગત સવારે ૬ થી ૭.૩૦ દરમ્યાન અભિષેક, બપોરે ૧૧ કલાકે અન્નકુટ, તથા બપોરે ૧૨ કલાકે રામજન્મ જન્મોત્સવ અને રાત્રે ૧૦-૧૦ કલાકે શ્રીહરિપ્રાગટ્યોત્સવ ધામધુમ પુર્વક ઉજવાશે. સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌત્તમપ્રકાશદાસજીની પ્રેરણાથી પંડોરી નિવાસી હાલ યુ.કે. અ.નિ.રાવજીભાઇ મહિજીભાઇ પટેલ, ગં.સ્વ. શારદાબેન રાવજીભાઇ પટેલ પરિવાર તથા વિશેષ શ્રીમદભાગવતજીના સપ્તાહ જ્ઞાનયજ્ઞ યજમાન અ.નિ.ધીરૂભાઇ નારાયણભાઇ ગોહેલ, ગંસ્વ. સવિતાબેન નારણભાઇ ગોહેલ પરિવાર હસ્તે વિવેક ગોહેલ તથા ડો.તુષાર ગોહેલ છે. શ્રીસ્વામિનારાયણ ભગવાનનો ૨૪૩મો જન્મોત્સવ શ્રીહરિકૃષ્ણ મહારાજનો દિવ્યઅભિષેક તથા બ્રહ્મનીષ્ઠ સંતોના આર્શીવચનનો લાભ લેવા સૌ હરિભક્તોને ભાવભીનું આમંત્રણ પાઠવેલ છે. મંગળવાર તા.૧૬મી નારોજ સાંજે પાંચ કલાકે ગોમતીજીથી વાજતે ગાજતે જળયાત્રા તથા પોથીયાત્રા નીકળી નીજ મંદિરે પહોંચી હતી. યજમાન પરિવાર દ્વારા ગોમતી કાંઠે ગોમતીજીના પવિત્ર જળનું પૂજન આચાર્ય મહારાજશ્રી તથા સંતો અને યજમાન પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ જળયાત્રા તથા પોથીયાત્રા વડતાલના રાજમાર્ગો ઉપર થઇ નીજ મંદિરે પહોંચી હતી. બેન્ડવાજા તથા ડીજેના તાલે સૌ હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા.
શ્રીહરિ જયંતિ પ્રસંગે આણંદના કોટક પરિવાર દ્વારા સવા છ તોલા સુવર્ણના દાગીના અર્પણ કરાયા
