ઘર આંગણે રમતી ૩ વર્ષની બાળાને ઈકો કારે ઉલાળી અકસ્માત સર્જાતા મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરાના બાધરપુરામા માતાજીના જવારાના પ્રસંગમાં અવેલા પરિવારની ઘર આંગણે રમતી ૩ વર્ષની બાળાને ઈકો કારે ઉલાળી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ ઈકો કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી. કાર ચાલક વાહન મૂકી ફરાર થયો છે. ઠાસરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે રહેતા વિક્રમભાઇ સોમાભાઇ પરમાર તેમની સૌથી નાની પુત્રી મહેશ્વરી ત્રણ વર્ષની અને પત્ની સાથે બાધરપુરા આવેલા હતા. વિક્રમભાઈના કૌટુંબીક સાળા કાભઇભાઈ ફતાભાઈ પરમારના ઘરે માતાજીના જવારા હોવાથી આ પરિવાર ત્યાં આવ્યો હતો. દરમિયાન ગઇકાલે બપોરે મહેશ્વરી બહાર ઘરની દીવાલ પાસે રમતી હતી તે વખતે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ઇકો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. આ ઉપરાંત ઘરની દીવાલ તોડી ઘરની અંદર ઘુસી ગયેલ. જેથી વિક્રમભાઈ સહિત અન્ય કુટુંબીજનો દોડી આવ્યા હતા. અકસ્માત કરનાર ઈકો કારનો ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બાળાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું. આ બનાવ મામલે વિક્રમભાઇ સોમાભાઇ પરમારે ઠાસરા પોલીસમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
