અજાણ્યા વ્યક્તિએ ફોન પર મિત્ર તરીકેની ઓળખ આપી અને ૪૨ હજાર લિધા
નરેશ ગનવાણી નડિયાદ

ઠાસરામાં અજાણ્યા વ્યક્તિએ ફોન કરી પોતાના મિત્ર તરીકેની ઓળખ આપી ૬૨ હજાર રૂપિયા જમા થયાનો ટેક્સ મેસેજ મોકલી ૪૨ હજારનો ચૂનો લગાવ્યો.
ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે મહેશકુમાર જયંતિભાઇ પટેલ જે પોતે વડોદરા જિલ્લાના ડભોઇ કોર્ટમાં સરકારી વકીલ તરીકે નોકરી કરે છે. ૮ ફેબ્રુઆરીના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિ હિન્દી ભાષામાં વાત કરતા કહ્યું કે હું તારો મિત્ર દિપક બોલુ છું અને આ મારો બીજો નંબર છે. તે વ્યક્તિએ જણાવેલ તારા ફોનમાં મેસેજ આવ્યો હશે. મે તારા ગુગલ પે એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવ્યા છે. જેથી મહેશકુમારે ચેક કરતા પોતાના મોબાઈલ ફોનમાં ટુકડે ટુકડે ૬૨ હજાર રૂપિયા જમા થયાના મેસેજ હતા. તેમણે ઉપરોક્ત મોબાઈલ નંબર પર અને આપેલા બીજા નંબર પર કુલ ૪૨ હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. જોકે બેંકની એપમા ચેક કરતા ફક્ત રૂપિયા કપાયા તે બતાવતાં હતા, જમા થયા તે ન બતાવતા, મહેશકુમાર પટેલને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર અને ગઇ કાલે ડાકોર પોલીસમાં બે અજાણ્યા નંબર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
