વિવિધ દેશોના ચૂંટણી અધિકારીઓએ  ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી પ્રક્રિયા નિહાળી

નરેશ ગનવાણી

લોકસભા સામાન્ય ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ડિસ્પેચિંગ સેન્ટરથી ઈવીએમ સહિતની સામગ્રી લઈને ચૂંટણી કર્મીઓ પોતપોતાના બુથ પર પહોંચી ગયા છે.

વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા આપણા દેશની ચૂંટણી પ્રક્રિયા સમગ્ર વિશ્વમાં વખણાય છે. ભારતની ચૂંટણી પ્રક્રિયાને સમજવા અને નિહાળવા માટે છ જેટલા દેશોના ચૂંટણી અધિકારીઓ મતદાન પ્રક્રિયા નિહાળવા ગુજરાતમાં પધારેલ છે. જેમાં, ૧૭-ખેડા સંસદીય મતવિસ્તારની બેઠક ૫૮-ધોળકા ખાતે રશિયા, મડાગાસ્કર, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ફિજી તથા કિર્ગિઝ રિપબ્લિકના પ્રતિનિધિઓએ ચૂંટણીના આગલા દિવસે ધોળકામાં ડિસ્પેચિંગ સેન્ટર સી.વી.મિસ્ત્રી સ્કૂલના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીને નિહાળી હતી. ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલા વ્યવસ્થાપન અને કામગીરીને વિદેશી અધિકારીઓએ રસપૂર્વક નિહાળ્યા ઉપરાંત બિરદાવી પણ હતી. તમામ વિદેશી ડેલિગેટ્સે વિવિધ ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લઈ મતદાન મથક પર સ્ટાફની કામગીરી અને મતદાન પ્રક્રિયા વિશે બારીકાઈથી જાણ્યું હતું. આ ઉપરાંત EVM વિશે પણ વિગતવાર માહિતી મેળવી હતી તથા મતદાનથી લઈને મતગણતરી સુધીની તમામ પ્રક્રિયાથી વાકેફ થયા હતા. વધુમાં, વિદેશી ડેલિગેટ્સે ડિસ્પેચિંગ સેન્ટરના વ્યવસ્થાપન અને કામગીરી વિશે પણ જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની ફરજમાં રોકાયેલ કર્મીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે પણ જાણ્યું હતું. વિદેશી ડેલિગેટ્સે આ તમામ પ્રક્રિયા બાબતે ઉપસ્થિત જે-તે લાયઝન અધિકારીઓ સાથે સંવાદ પણ સાધ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: