કુદરતી અભિશાપને આશીર્વાદમાં પલટાવતા દિવ્યાંગજનો : દાહોદ જિલ્લામાં મનરેગા યોજના બની ૨૨૫૫ દિવ્યાંગો માટે રોજગારીનો અવસર
લોકડાઉનના સમયમાં દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ દિવ્યાંગોને ૨૯૨૫૮ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી
દાહોદ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા અંતર્ગત ૧૩૫૭૯ દિવ્યાંગોને ૩૧૯૧૧૧ માનવ દિનની રોજગારી પૂરી પાડવામાં આવી
કુદરત જ્યારે એક રસ્તો બંધ કરે ત્યારે સાથે તમારા માટે બીજા અનેક રસ્તાઓ ખોલી પણ આપતી હોય છે. જન્મજાત કે અકસ્માતે આવેલી શારીરિક ખામીમાં પણ એવું છે. કુદરત માણસને કોઇ શારીરિક ખોટ આપે ત્યારે તે ખોટને પૂરવા માટે બીજી ખૂબી જરૂરથી આપે છે. આવું દાહોદના દિવ્યાંગજનોના દ્રઢ મનોબળ અને અભિશાપને અવસરમાં પલટવાના ભરપૂર આત્મવિશ્વાસ ઉપરથી દેખાઇ આવે છે.
જિલ્લામાં મહાત્મા ગાંધી રોજગાર બાંહેધરી યોજના અંતર્ગત ચાલતા કામોમાં કામ કરતા દિવ્યાંગો ઉક્ત વાતની સાબિતી આપે છે. દાહોદ જિલ્લામાં અત્યારે ૨૨૫૫ દિવ્યાંગો મનરેગા હેઠળ તેમને અનુકૂળ હોય એવું કામ કરી રહ્યા છે અને રોજગારી મેળવી રહ્યા છે.
મનરેગા યોજનામાં દિવ્યાંગોને સાંકળવાનું કામ આ વર્ષે લોકડાઉનની સ્થિતિને ધ્યાને રાખીને વિશેષ રીતે કરવામાં આવ્યું છે. તેના પાછળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજનો સંવેદનશીલ અભિગમ છે.
તે કહે છે, દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલા ૨૨૫૫ દિવ્યાંગોને તેમના માટે અનુકૂળ એવા કામની વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લામાં દિવ્યાંગોને મુખ્યત્વે કામના સ્થળે પાણી પીવડાવવું, ઘોડિયા ઘર હોય તો તેની સંભાળ રાખવી, હાજરી પત્રક સંભાળવું, ખોદકામ ચાલતું હોય તેવા કામના સ્થળે માટી નિયત સ્થળે નાખવામાં આવે તેની દેખરેખ રાખવાનું કામ દિવ્યાંગોને સોંપવામાં આવે છે. અત્યાર સુધીમાં દિવ્યાંગો માટે ૨૯૨૫૮ માનવ દિનની રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે. એ રીતે ગણવામાં આવે તો રૂ. ૭૦ લાખ દિવ્યાંગોને વેતન પેટે આપવામાં આવ્યા છે.
ડીડીઓ શ્રી રચિત રાજ કહે છે, છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૩૫૭૯ દિવ્યાંગોને મનરેગા હેઠળ રોજગારી આપવામાં આવી છે. ૨૦૧૫માં ૧૮૧૬, ૨૦૧૬માં ૧૧૭૯, ૨૦૧૭માં ૨૧૬૩, ૨૦૧૮માં ૨૯૧૨, ૨૦૧૯માં ૩૨૫૪ અને ચાલુ વર્ષના ૨૨૫૫ મળી કુલ ૧૩૫૭૯ થાય છે. આ પાંચ વર્ષોમાં દિવ્યાંગોને ૩૧૯૧૧૧ માનવદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે. દાહોદમાં ઘણા દિવ્યાંગોની ગ્રામ રોજગાર સેવકો તરીકે ભરતી કરવામાં આવી છે.
સંજેલી તાલુકાના હિરોલા ગામના જીઆરએસ શ્રી પ્રકાશ પરમાર પોતે દિવ્યાંગ છે. ચાલવા માટે એક ઘોડીનો સહારો લેવો પડે છે. તેઓ અત્યારે મનરેગા યોજનામાં સારી રીતે કામ કરી રહ્યા છે. તેમનામાં આત્મવિશ્વાસ ભરપૂર છે. તે કહે છે, હું નિયમિત પણે સાઇટ પર રહું છે. મનરેગા યોજનાના કામનું આયોજન અને જોબકાર્ડ ઇસ્યુ કરાવવા સહિતની કામગીરી પણ સારી રીતે કરવામાં આવી છે. દિવ્યાંગોની વિશેષ કાળજી લેવામાં આવી છે.
હિરોલા ગામના તળાવમાં એક વ્યક્તિ શ્રમિકોને પાણી પીવડાવતા જોઇને તમે આશ્ચર્યમાં મૂકાઇ જાવ. તેમનું નામ લાલુભાઇ છે. થોડા વર્ષો પહેલા તેઓ ડ્રાઇવિંગનું કામ કરતા હતા. પણ તાજેતરમાં આવેલા પેરેલિસીસના હુમલામાં તે દિવ્યાંગ થઇ ગયા છે. શરીરના એક ભાગના હાથ અને પગ કામ કરતા બંધ થઇ ગયા છે. તેમણે આ લોકડાઉનમાં મનરેગા હેઠળ જોબકાર્ડ ઇશ્યુ મેળવ્યું અને હવે તેઓ સાઇટ ઉપર શ્રમિકોને પાણી પીવડાવવાનું કામ કરે છે. તેની સાથે વાત કરીએ તો તે આવી શારીરિક સ્થિતિ અને લોકડાઉનના સમયમાં કામ આપવા બદલ સરકારનો આભાર માનવાનું ચૂકતા નથી.
આવા જ એક જીઆરએસ પેથાપુરના અભેસિંગ ડામોર પણ છે. તેઓ બન્ને પગથી દિવ્યાંગ છે. આમ છતાં, તેઓ જીઆરએસ તરીકે સારી રીતે કામ કરી રહ્યા છે. પોતાની શારીરિક અપૂર્ણતાને ગણકાર્યા વીના તેઓ નિયમિતપણે સાઇટ ઉપર જાય છે અને શ્રમિકોની હાજરી પૂરવી, જોબકાર્ડ ઇસ્યુ કરવા સહિતની કામગીરી કરે છે. તેમને કામ કરતા જોઇને કોઇ પણ સક્ષમ વ્યક્તિ પણ શરમાઇ જાય !
ઝાલોદ તાલુકાના ટીમ્બી ગામના પપ્પુભાઇ ડામોર અને લક્ષમણભાઇ ટીટાભાઇ મછાર પણ દિવ્યાંગજન છે. આ બન્ને વ્યક્તિએ મનરેગા હેઠળ કામ કરીને ત્રણ સપ્તાહમાં પરિવારદીઠ ૨૦થી ૨૫ હજાર રૂપિયાનો રોજગાર મેળવ્યો છે.
આમ, દાહોદ જિલ્લામાં મનરેગા યોજના દિવ્યાંગો માટે પણ રોજગારીનો અવસર લઇને આવી છે.
#Sindhuuday Dahod