નડિયાદમાં ઝાડા ઉલ્ટીના કેસો અંતર્ગત જિલ્લા કક્ષાની ટીમ દ્વારા સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્દિરા નગર-૨ માંથી ઝાડા-ઉલ્ટીના કેસો દાખલ થવા અંગેની જાણ થતા જીલ્લા આરોગ્ય અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર,નડીયાદ તેમજ મેડીકલ ઓફિસર, અર્બન હેલ્થ સેન્ટર-૨ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. અર્બન હેલ્થ સેન્ટર-૨ની આરોગ્ય ટીમ દ્વારા સઘન સર્વેલન્સથી અન્ય કેસોની શોધખોળ તેમજ રોગચાળા અટકાયત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વેલન્સ અંતર્ગત ઝાડાના કુલ ૨૮ અને ઝાડા-ઉલ્ટીના કુલ ૪ કેસ મળીને કુલ ૩૨ કેસ મળી આવ્યા હતા. જેમા કુલ ૯ પુરુષો અને કુલ ૨૩ સ્ત્રી દર્દીઓ નોંધાયા હતા. નોંધાયેલ દર્દીઓ પૈકી કુલ ૧૭ દર્દી હાલ સિવિલ હોસ્પિટલ, નડિયાદ ખાતે તથા એક દર્દી મહાગુજરાત હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
વધુમાં જિલ્લા કક્ષાની સર્વેલન્સ ટીમ દ્વારા કુલ ૬૭ આર.સી. ટેસ્ટ કરવામાં આવ્યા છે તથા કોન્ટેકટમાં આવેલ ૧૪ વ્યક્તિઓની સારવાર કરવામાં આવી છે. ઉપરાંત ૧૭૫ ઘરોમાં ક્લોરિન ટેબલેટ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ૧૭૪ ઓ.આર.એસ. પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.