કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં બાઇક પર સવાર મહિલાનું મોત નિપજ્યું
નરેશ ગનવાણી નડિયાદ
ડાકોર વણોતી ગામ પાસે બાઇક પર ત્રીપલ સવારી કાર સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર એક મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે ચાલક અને પાંચ વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ બનાવ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા તાલુકાના ખીજલપુર ગામે રહેતા ભાવેશભાઇ પુનમભાઈ લુહાર ૧૭મે ના રોજ પત્ની પાયલ અને સૌથી નાના 5 વર્ષના દિકરા સાથે બાઈક પર ખીજલપુરથી વણોતી ગામ તરફ જતા હતા. ત્યારે કાર એ ટક્કર મારી હતી. જેથી બાઇક ચાલક ભાવેશભાઇ અને તેમની પત્ની પાયલ તેમજ 5 વર્ષનો પુત્ર રોડ પર પટકાયા હતા. જેથી ત્રણેયને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આસપાસના લોકો આવી ગયા અને 108 એમ્બ્યુલન્સ દ્વારા ત્રણેય ઈજાગ્રસ્તોને ડાકોરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પાયલની તબિયતમાં કોઈ સુધારો ન આવતા તેણીના પિયરના લોકો હિંમતનગર ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આથી આ બનાવ મામલે ઈજાગ્રસ્તના નાનાભાઈ મહેશભાઈ લુહારે કાર ચાલક વિરૂધ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.