કપડવંજ પાસે બાઈક સ્લીપ થઇ જતા જી.આર.ડી જવાનનુ સારવાર દરમિયાન મોત

નરેશ ગનવાણી નડિયાદ

કપડવંજ નજીક સર્જાયેલા અકસ્માતમાં જવાને જીવ ગુમાવ્યો છે. કાપડીવાવના પાખીયાથી બનાના મુવાડા તરફના રોડ પર
બાઇક સ્લીપ ખાઈ જતા આંતરડામાં ગંભીર ઈજા થઇ હતી. કપડવંજ, નડિયાદની ૪ હોસ્પિટલોમાં ફર્યા બાદ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જવાને દમ તોડ્યો છે. કપડવંજ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના વડોલ ગામે રહેતા પ્રદીપભાઈ કાળીદાસ પરમારના કાકાના દીકરા ચંદ્રકાંતભાઈ મીઠાભાઇ પરમાર જે કપડવંજ  ગ્રામ રક્ષક દળ (જીઆરડી )માં ફરજ બજાવે છે. ૧૯મી મે ના રોજ ચંદ્રકાંતભાઈ પોતે પોતાનું બાઇક લઈને અંતિસર ગામેથી વડોલ મુકામે જતા હતા. ત્યારે કાપડીવાવના પાખીયાથી બનાના મુવાડા તરફના રોડ પરથી પસાર થતા ચંદ્રકાંતભાઈએ બાઇક પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ ખાઈ ગયુ હતું. જેથી ચંદ્રકાંતભાઈ રોડ ઉપર પટકાયા હતા. ઘાયલ ચંદ્રકાંતભાઈને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ચંદ્રકાંતભાઈ દવા કરાવી પોતાના ઘરે આવી ગયા હતા. જ્યાં ખબર અંતર પૂછવા આવેલા પ્રદીપભાઈ પરમારને ઇજાગ્રસ્ત ચંદ્રકાંતભાઈએ કહ્યું કે મને પેટમાં વધુ દુઃખે છે જેથી ચંદ્રકાંતભાઈને તુરંત કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાંથી વધુ સારવાર અર્થે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ત્યાં ડોક્ટર હાજર ન હોય નડિયાદની ખાનગી હોસ્પિટલમાં ચંદ્રકાંતભાઈને લઈ જવામાં આવ્યા હતા. પરંતુ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં પણ ડોક્ટર ન હોવાથી  જીઆરડી જવાનને વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આંતરડામાં ગંભીર ઇજા થઈ હોવાથી સારવાર હેઠળ હતા. ત્યારે આ ચંદ્રકાંતભાઈનુ 22મેના રોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. આ બનાવ સંદર્ભે પ્રદીપભાઈ કાળીદાસ પરમારે કપડવંજ રૂરલ પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: