દાહોદ જિલ્લામાં વૃક્ષોના વાવેતર અને માવજતના અભાવે અચાનક પલટાતા વાતાવરણમાં સુધારો લાવવો જરૂરી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લામાં વૃક્ષોના વાવેતર અને માવજતના અભાવે અચાનક પલટાતા વાતાવરણમાં સુધારો લાવવો જરૂરી.
વર્ષોથી કરોડો રૂપિયાના ખર્ચે જંગલ વિસ્તારમાં વાવેતર કરવામાં આવતા વૃક્ષોની માવજત અને વૃક્ષારોપણના થતા કાર્યક્રમો માત્ર દેખાડા પૂરતા થઈ રહ્યા છે?
જંગલ વિસ્તાર સહિત માલિકીની જમીનમાં ફરજિયાત વૃક્ષોનું વાવેતર અને માવજત થાય તેવા સરકારે પ્રયત્નો હાથ ધરવા જોઈએ
પૃથ્વીના ફેફસાં ગણાતા વૃક્ષ સંપદાનો આડેધડ વિનાશ થઈ રહ્યો હોય વાતાવરણમાં ફેલાતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવે વાતાવરણ માટે ખતરા રૂપ બનતો જાય છે.તથા માનવ સર્જિત ઉદ્યોગોથી અંગાર વાયુનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેથી પૃથ્વીના હવામાન પલટાનો કોઈ ભરોસો રહ્યો નથી.જેના લીધે વધુ ઠંડી, વધુ ગરમી,વધુ વરસાદ કે દુષ્કાળ જેવી સ્થિતિનો પ્રજાને સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે કુદરતી આપત્તિઓ સામે ઝઝુમવા વૃક્ષોની માવજત અતિ આવશ્યક છે.
જંગલોની જાળવણી માટે સરકાર વર્ષ કરોડો રૂપિયાનો ખર્ચ ભોગવે છે.છતાં આજે ગુજરાતમાં ઘાટું કહી શકાય તેવો કોઈ જંગલ વિસ્તાર રહ્યો નથી.જંગલોમાંથી વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે,તે લાકડું ક્યાં જાય છે, તેની આજે કોઈને જાણ નથી.જો વન ખાતું પહેલાથી જ સજાગ રહ્યું હોત તો વૃક્ષો વાવો,વરસાદ લાવો કે પર્યાવરણ બચાવોના સૂત્રો પાછળ કરવામાં આવતો ખર્ચ બચાવી શકાયો હોત!
વન ખાતુ જંગલ બચાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે.તેની પાછળ જંગલોનો વિકાસ પણ થવો જોઈએ. તેમ છતાં જ્યાં ઘટાદાર વૃક્ષો હોવા જોઈએ ત્યાં હાલ ઘાસ પણ જોવા મળતું નથી.દાહોદ જિલ્લામાં ફતેપુરા, ઝાલોદ,લીમખેડા,દાહોદ, દેવગઢ બારીયા,ધાનપુર વિગેરે તાલુકામાં ડુંગરાળ વિસ્તાર હોય જંગલ ના વિકાસ માટે મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરી શકાય તેમ છે. વિગતે જોઈએ તો દાહોદ જિલ્લામાં 17,417 હેક્ટર જમીનમાં વનો પથરાયેલા છે.જિલ્લામાં 23.4% વન વિસ્તાર આવેલો છે.જેમાં દાહોદ જિલ્લાના 679 ગામ માંથી 554 ગામડાઓ વન અચ્છાદિત વિસ્તાર ધરાવે છે.જિલ્લામાં ધાનપુર તાલુકો સૌથી વધુ વન વિસ્તાર ધરાવે છે.જ્યારે ફતેપુરા તાલુકામાં સૌથી ઓછો વિસ્તાર ધરાવતો તાલુકો છે.ફતેપુરા તાલુકામાં 96 ગામો પૈકી 33 ગામો વનવિસ્તાર ધરાવે છે.ફતેપુરા તાલુકામાં 4,066 હેક્ટર વન વિસ્તાર આવેલો છે.જો કે દાહોદ જિલ્લામાં 19610 હેક્ટરમાં ફેલાયેલા ધાનપુર તાલુકાના 90 ગામડાઓ માંથી 84 ગામ વન વિસ્તાર ધરાવે છે.આમ સૌથી વધુ વનવિસ્તાર ધરાવતો ધાનપુર તાલુકો જ્યારે સૌથી ઓછો વનવિસ્તાર ધરાવતા ફતેપુરા તાલુકાનો સમાવેશ થાય છે.દાહોદ જિલ્લાના તાલુકામાં દર વર્ષે અનેક જગ્યાઓ ઉપર વૃક્ષારોપણના કાર્યક્રમો રાખવામાં આવે છે.અને તેમાં વૃક્ષ ઉછેર માટે ઉત્સાહ પણ દાખવવામાં આવે છે. પરંતુ ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવેલ રોપાઓ ની માવજત કરવામાં આવતી નથી.મોટાભાગના રોપાઓ નાશ પામે છે.અને વર્ષો વર્ષ એક જ જગ્યાએ વૃક્ષારોપણના કાર્યક્રમો રાખી ફોટાઓ પડાવી સંતોષ માની લેવામાં આવે છે!તેથી કહી શકાય કે વૃક્ષારોપણનો કાર્યક્રમ માત્ર એક દેખાડા ખાતર કરવામાં આવતો હોય તેમ સાબિત થઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં જંગલ ખાતા દ્વારા વર્ષો વર્ષ નવીન રોપાઓનું વાવેતર કરવામાં આવે છે.અને તેના પાછળ લાખો રૂપિયા ખર્ચ પણ કરવામાં આવી રહ્યો છે(આ નાણાં સરકાર નહીં પરંતુ પ્રજાના છે)પરંતુ વાવેતર થયા બાદ તેના જવાબદારો દ્વારા માવજત કરવામાં આવતી નથી.જેના લીધે વર્ષો વર્ષ કરવામાં આવતો ખર્ચ વ્યર્થ સાબિત થતો જાય છે.જ્યારે વૃક્ષારોપણ કરવામાં આવેલા અને વાવેતર કરવામાં આવેલ રોપાઓનું માત્ર એક વર્ષ ધ્યાન આપવામાં આવે તો કરવામાં આવેલ વૃક્ષારોપણને સફળતા મળી શકે સાથે- સાથે તેના પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ વ્યર્થ નહીં જાય.આ બાબતે જિલ્લા તથા રાજ્ય સરકારના લાગતા વળગતા અધિકારીઓ ધ્યાન આપે તે ખાસ જરૂરી જણાઈ રહ્યું છે.