રાજકોટની દુર્ઘટના બાદ દાહોદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું.

બ્યુરો રિપોર્ટ

રાજકોટની દુર્ઘટના બાદ દાહોદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું

ફાયર સેફ્ટીના અભાવને કારણે દાહોદમાં જુદી જુદી જગ્યાએ ચાલતા બે ગેમઝોન સીલ કરાયા.

લો બોલો નગરપાલિકા હસ્તક કોન્ટ્રાક્ટર દ્વારા ચાલતા ગેમઝોનમાં જ ફાયર સેફ્ટીની સુવિધા નથી.

રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલ માનવસર્જિત અગ્નિકાંડની દુર્ઘટનામાં 28 લોકોના મોત નીપજતા આ દુઃખદ દુર્ઘટનાના પગલે સમગ્ર ગુજરાત હચમચી ઉઠ્યું છે. અને સમગ્ર ગુજરાતમાં “આ ગેમ ઝોનને ડેથઝોન કોણે બનાવ્યું?” તેવા સવાલો ઉઠવા પામ્યા છે. અને જવાબદારો સામે કડક પગલા લેવાની ઊઠેલી ઉગ્ર માંગ વચ્ચે રાજકોટની આ દુર્ઘટનાના પગલે દાહોદ વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે. અને દાહોદમાં જુદી જુદી જગ્યાએ ચાલતા બે ગેમઝોનને ફાયર સેફટીના અભાવે દાહોદ મામલતદારના આદેશથી તેમની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યા છે. રાજકોટમાં ગત સાંજે નાના મોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલ માનવસર્જિત અગ્નિકાંડમા નવ જેટલા માસુમો સહિત કુલ 28 જેટલા લોકો જીવતા ભુંજાઈ મોતને ભેટતા સમગ્ર ગુજરાત હસમચી ઉઠ્યું છે. ત્યારે રાજકોટની આ દુર્ઘટનાના પગલે એક્શનમાં આવેલા સમગ્ર રાજ્યના વહીવટી તંત્રની જેમ દાહોદનું વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યુ અને દાહોદ શહેરમાં ચાલી રહેલા ગેમઝોનમા તપાસ હાથ ધરવાની તમામ તૈયારીઓ સાથે દાહોદ મામલતદાર મનોજકુમાર મિશ્રા તથા તેમની ટીમે સૌપ્રથમ દાહોદ સ્ટેશન રોડ હાઇસ્કુલની સામે ચાલતા ગેમઝોનમાં તપાસ હાથ ધરી હતી. તપાસમાં સદરગેમ ઝોનમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો. તેમ જ એકઝીટ અને એન્ટર માટે માત્ર એક જ દરવાજો હોવાનું સામે આવતા મામલતદારના આદેશથી તેઓની ટીમ દ્વારા આ ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યું હતું. તેમજ શહેરના ગોદી રોડ પર પ્રાઇવેટ મિલકતમાં ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોરમાં ચાલતા લેવલઅપ ગેમઝોનમા પણ તપાસ હાથ ધરી હતી. જેમાં હાયર સેફટીની સુવિધા નો અભાવ તેમજ ચડવા તેમજ ઉતરવા માટે માત્ર એક જ સીડી રાખવામાં આવી હોવાનું સામે આવતા આ ગેમ ઝોનને પણ મામલતદારના આદેશથી તેમની ટીમ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું હતું. અને હજીએ આવા ગેમઝોન બાબતે મામલતદાર દ્વારા તપાસ જારી રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદમાં સ્ટેશન રોડ પર હાઈસ્કૂલની સામે આવેલ દાહોદ નગરપાલિકા હસ્તકનુ ગેમઝોન કેટલાય સમયથી ચાલી રહ્યું છે. ભૂતકાળમાં આ જ ગેમઝોનમા ખુલ્લા વીજ વાયરને કારણે વીજ કરંટ લાગતા એક બાળકીનું મોત નીપજયાની ઘટના બની હતી. તે સમયે આ ગેમઝોનને થોડો સમય બંધ કરી દેવામાં આવ્યા બાદ પુનઃ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. અને તે આજદિન સુધી ચાલી રહ્યું છે. રાજકોટના ગેમઝોનમાં સર્જાયેલી માનવસર્જિત આગની ગોઝારી ઘટના બાદ સહસા જાગી ઉઠેલા દાહોદ વહીવટી તંત્ર દ્વારા આ ગેમઝોનમાં આજે કરવામાં આવેલી તપાસમાં આ ગેમઝોનમાં ફાયર સેફટીનો અભાવ તેમજ એન્ટર અને એક્ઝિટ માટે માત્ર એક જ દરવાજો હોવાનું સામે આવતા આ ગેમઝોનને સીલ મારી દેવાતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાયું હતું. કારણ કે આટલા લાંબા સમય સુધી આ ગેમ ઝોન ફાયર સેફ્ટીની સુવિધા વિના જ રામ ભરોસે ચાલતું હતું. નગરપાલિકા હસ્તકના જ આ ગેમઝોનમાં હાયર સેફટીનો અભાવ જોવા મળતા મામલતદાર તથા તેમની ટીમ પણ ચોકી ઉઠી હતી. અને આ મામલે મામલતદાર પાલિકાના ચીફ ઓફિસર સાથે ચર્ચા કરશે તેવું જાણવા મળ્યું છે.

દાહોદ નગરપાલિકા હસ્તકનું કોન્ટ્રાક્ટર દ્વારા દાહોદ સ્ટેશન રોડ પર હાઇસ્કુલની સામે છાબતળાવના કિનારે ચાલતું ગેમઝોન આટલા વર્ષોથી ફાયર સેફટીની સુવિધા વિના જ રામ ભરોસે ચાલતું હોવાથી આ મામલે દાહોદ નગરપાલિકાના સત્તાધીશો તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામા આવેલી બેદરકારી તે બંનેની જવાબદારીની પારદર્શિતાના મામલે ઘણું બધું કહી જાય છે. રાજકોટના આ ભયાનક અગ્નિકાંડ બાદ દાહોદના આ ગેમઝોનમાં પણ તપાસ હાથ ધરાતા આ બંને જવાબદારોની બેજવાબદારી સામે આવતા દાહોદ પંથકમાં તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: