ઠાસરામાં શખ્સે અકસ્માત બાબતે રીસ રાખી ચાર લોકો પર ચપ્પા વડે હુમલો કર્યો
નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરાના ઝાલાપુરા ગામે ડીજેના ટ્રેક્ટર સાથે અન્ય શખ્સે ટ્રેક્ટર ભટકાવતા જે બાબતનો ખાર રાખી એક શખ્સે ચાર વ્યક્તિ પર ચપ્પા વડે ઘાતકી હુમલો કર્યો છે. આ બનાવ સંદર્ભે ડાકોર પોલીસમાં હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ઠાસરા તાલુકાના કોટલીડોરા તાબેના ઝાલાપુરા ગામે રહેતા સંજય ડીજેનો વ્યવસાય કરે છે. ગયા અઠવાડીએ ડીજે રોડની સાઇડમાં ઉભુ હતું તે વખતે ગામના ગણપતસિંહ અંદરસિંહ ચાવડાએ તેમનું ટ્રેક્ટર ડીજે સાથે અથડાવ્યું હતું. જે બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ 24 મે ના રોજ ગણપતસિંહ ચાવડાના ભત્રીજો રોહિતકુમાર લક્ષ્મણસિંહ ચાવડાએ તેના કાકા ગણપતસિંહના ઝઘડાનુ ઉપરાણુ લઇ વિજયસિંહના ભાણા જયદી૫ પૃથ્વીરાજસિંહ ચૌહાણ સાથે ગામમાં બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેથી વિજયસિંહના કાકાના દિકરા અવિનાશે રોહિતને ફોન કરી વાતચીત કરવા માટે 25મે ના રોજ રાત્રીના દસેક વાગે ગામમાં પ્રાથમિક શાળા પાસે બોલાવેલ હતો. આ સમયે આક્રોશમાં આવેલા રોહિત ચાવડાએ તેના હાથમાનું ચપ્પુ અવિનાશને પેટના મારી દીધું હતું. વચ્ચે છોડાવવા પડેલા અન્ય કુલ 3 લોકોને પણ રોહિતે ચપ્પુ માર્યુ હતું. આથી આ ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તુરંત નજીકની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે નડિયાદ સિવિલ હોસ્પિટલમાંથી પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ ચારેયને ખસેડાયા છે. આથી આ બનાવ સંદર્ભે વિજયસિંહ પ્રવિણસિંહ ચાવડાએ ડાકોર પોલીસમાં ગતરોજ જીવલેણ હુમલો કરનાર રોહિત લક્ષ્મણસિંહ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે