દુકાનમાંથી ૧૯૫ બેગનો દોઢ લાખથી પણ વધુનો રાસાયણીક ખાતરનો જથ્થો જપ્ત : ગરબાડામાં લાયસન્સ વિના ખાતરનું વેચાણ – સંગ્રહ કરતાં વધુ એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો

દાહોદ તા.૨૦
દાહોદ જિલ્લામાં લાયસન્સ વિના હલકી ગુણવત્તાના ખાતર વેચતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લામાં લાયસન્સ વિના ખાતરનો વેપાર કરતા વધુ એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. ગરબાડામાં રિલાયન્સ પેટ્રોલ પંપની સામે દલસિંગભાઇ રાઠોડની દુકાનમાંથી ૧૯૫ બેગનો દોઢ લાખથી પણ વધુનો રાસાયણીક ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ગરબાડાના ખેતીવાડી અધિકારી શ્રી પી.કે.ભાભોરે આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ રાસાયણીક ખાતરમાં ઓર્ગેનિક મેન્યુર અને સોઇલ કન્ડીશનલની રૂ. ૧,૫૫,૮૭૫ની કિમતની કુલ ૧૯૫ બેગ જપ્ત કરવામાં આવી છે. દલસિંગભાઇ પર રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૯૮૫ ના ખંડ ૭ ના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કૃષિ વિભાગને લાયસન્સ વિના હલકી ગુણવત્તાના ખાતર વેચતા વેપારીઓ સામે કડકમાં કડક પગલા લેવા સપષ્ટ સૂચના આપવામાં આવી છે ત્યારે જે કંપનીઓ ઉંચા ભાવે ખેડૂતોને હલકી ગુણવત્તાના ખાતર વેચી રહ્યા છે તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખેડૂતોએ આ બાબતે ખૂબ સાવચેત રહી ફક્ત લાયસન્સ ધરાવતા વેપારીઓ પાસેથી જ ખાતર ખરીદવા જણાવવામાં આવ્યું છે.
જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)એ જણાવ્યું છે કે, ખેડૂતો કુદરતી ખેતીની પદ્ધતિ અપનાવી રાસાયણીક ખાતરનો ઉપયોગ ટાળી શકે છે અને બમણું ઉત્પાદન પણ મેળવી શકે છે. આ પદ્ધતિ પ્રમાણે ખાતર, દવા, બિયારણ ખરીદવાની જરૂરીયાત રહેતી નથી. દેસી ગાય આધારિત જીવામૃત અને દેશી વનસ્પતિઓ ભગડો, દિવેલ, કરંજ જેવા પાનના ઉકાળામાંથી કુદરતી જંતુનાશકો ઘરે જ બનાવી ખેડૂતો ઉપયોગ કરી શકે છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!