ફેસબુક પર જાહેરાત જોઇને રૂપિયા કમાવા જતા યવકે ૭૫ હજાર ગુમાવ્યા
નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ તાલુકાના ચકલાસી રામપુરાના સુનિલકુમાર ઉદેસિંહ વાઘેલા ૨૩ મે ૨૦૨૪ મોબાઈલ ફેસબુક એકાઉન્ટ પર એક જાહેરાત આવી હતી. જેમાં નટરાજ પેન્સિલ પેક કરી રૂપિયા કમાવાની જાહેરાત હતી. સુનિલે સંપર્ક કર્યો હતો અને સામેથી વાત કરતા વ્યક્તિએ કહ્યું તે પ્રમાણે આધાર કાર્ડ, ફોટો અને ચૂંટણી કાર્ડ આપ્યું હતું.
આ ઉપરાંત રૂપિયા ૬૨૦ પણ ઓનલાઇન કાર્ડ બનાવવા માટે આપ્યા હતા. બીજા દિવસે ૨ હજાર પેમેન્ટ કરવા વ્યક્તિએ કહ્યું જેથી સુનિલે રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ અલગ અલગ બહાના બતાવીને સુનિલ પાસેથી કુલ રૂપિયા ૭૫ હજાર ૪૬૬ ગુગલ પે મારફતે પડાવી લીધા હતા. પણ પેન્સિલ ની કોઈ સામગ્રી ઘરે આવી ન હતી. તો આ વ્યક્તિ સાથે સુનિલે સંપર્ક કરતા વધુ નાણાની માંગણી કરી હતી અને એક લાખ સુધી થાય ત્યાર બાદ જ પેન્સિલનો રો મટીરીયલ આવશે અને જો આ નાણાં ન ભરો તો અગાઉ આપેલા તમામ નાણાં મળી શકશે નહીં તેમ જણાવ્યું હતું. તેથી સુનીલ વાઘેલાને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં આ મામલે જે તે સમયે અજાણ્યા મોબાઇલ ધારક સામે સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક પર અને ગતરોજ ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
