માતર પંથકના ખેડૂતોએ ભેગા થઈ ખેતી માટે પાણી આપવાની માંગ કરી
નરેશ ગનવાણી નડિયાદ
રાજ્યમાં ચોમાસું બેસી ચૂક્યું છે. જોકે ખેડા જિલ્લામાં હજી વરસાદના અણસાર દેખાતા નથી. આવી સ્થિતિ માં મહી સિંચાઇ દ્વારા આપવામાં આવતું સિંચાઈ માટેનું પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે છેવાડા વિસ્તારના ખેડૂતોને પાક પકવવામાં ખુબજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને માતર પંથકના ખેડૂતોને આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આ વિસ્તારના ખેડૂતો ગતરોજ આ બાબતે ભેગા થયા હતા અને ‘પાણી આપો…પાણી આપો…’ ના નારા લગાવ્યા હતા.
માતર તાલુકાના ત્રાજ ગામ પાસે આવેલ કેનાલ કોરી કટ હોવાને કારણે સિંચાઈના પાણીના અભાવે અંદાજે અને 15થી વધુ ગામડાઓના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળવાને કારણે વાવણીમાં મુશ્કેલી ઉભી થવાની ભીંતી વર્તાઈ રહી છે. માતર વિસ્તારની ત્રાજ, પુનેરા, પુનાજ, અસામલી સહિત અંદાજીત ૪૫૦૦ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતો ખેતી કરે છે ખાસ વરસાદ તેમજ કેનાલના પાણીના સહારે વાવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં આ વિસ્તારમાં વરસાદ પણ નથી આવ્યો અને તળાવ કોરા કટ છે .અને કેનાલમાં પાણી ન છોડવામાં આવ્યું હોવાને કારણે હાલ ખેડૂતો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. ખેડૂતોનું કહેવું છે કે હજુ સિંચાઈ વિભાગ ૨૫ તારીખે પાણી છોડશે જે અહીંયા ૨૭ તારીખની આસપાસ પહોંચશે.. અને ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ જશે જેથી જો વાવણી મોડી થશે તો આગામી સમયમાં ઉગાડેલ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ શકે છે. જેથી જો વહેલી તકે પાણી છોડવામાં આવે તો ખેડૂતોને યોગ્ય સમયે પાણી મળી રહે જેથી તે સમયસર વાવણી કરી શકે તેવી માંગ કરી રહ્યા છે.