નડિયાદમા યુવાનને છરાના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા ચકચાર
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ શહેરમાં બકરા ઈદના દિવસે શહેરના બારકોશિયા રોડ પર પોતાના ત્રણ વર્ષના પુત્ર સાથે ઉભેલ એક યુવાનને ઈદ મુબારક કહેવાના બહાને ત્રણ ઈસમોએ ગળે મળી ગરદન અને પેટમાં છરાના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે નડિયાદ ટાઉન પોલીસ મથકે ત્રિપુટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદમાં રહેતા ફર્નિચરનો ધંધો કરતા અને મુળ ઉત્તરપ્રદેશના અબ્દુલરહેમાન કમાલુદ્દીન બંજારા સવારના આશરે અગિયારેક વાગ્યાના ઈરફાનભાઈ તેમના ૩ વર્ષના પુત્રને લઈને ઘરની બહાર કોઈની સાથે ફોન પર વાત કરતા હતા. દરમિયાન તેમના નિશાર ઉમરભાઈ બંજારા તથા તેનો સગો ભાઈ મહંમદઈસરાર ઉર્ફે રાજા ઉંમરભાઈ બંજારા (રહે. પરિવાર સોસાયટી, નડિયાદ) તથા અનીષ બંજારા ત્રણેય જણા બાઈક પર તેમના ઘર પાસે આવ્યા હતા. ઈરફાન પાસે જઈ નિશાર બંજારાએ ઈરફાનભાઈને ઈદ મુબારક કહી ગળે મળ્યા હતા અને તેના પેન્ટના ખિસ્સામાંથી છરો કાઢી ઈરફાનભાઈના ડાબા કાનની પાછળના ગરદનના ભાગે ઘા કરતા તેમની ગરદનની ચામડી ચીરાઈ જતા લોહી નીકળવા લાગ્યું હતું. તેમના હાથમાંથી તેમનો દિકરો છટકી ગયો હતો અને ત્રણેય ઈસમોએ ઈરફાનભાઈને જમીન પર પાડી મહંમદઈસરાર અને અનીધ બંજારાએ પકડી રાખી નિશારે છરાથી ફરીથી ઈરફાનના પેટના ભાગે બે ઘા કરી દીધા હતા. બુમાબુમ થતાં જ ઘરના માણસો બહાર દોડી આવ્યા હતા. ત્રણેય ઈસમો બાઈક લઈ ભાગી ગયા હતા. અને ઈરફાનભાઈને સારવાર માટે નડિયાદ સિવિલ અને ત્યાંથી કરસમદ લઇ ગયા હતા.