સી.બી. પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી ભાષા સંચેતના શિબિર નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી.પટેલ આર્ટસ કૉલેજ નડિયાદમાં હિન્દી ભાષા સંચેતના શિબિર”નો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગ્રાના ડાયરેક્ટર પ્રોફેસર સુનિલ કુમાર બાબુરાવ કુલકર્ણી ઓનલાઇન હાજરી આપી હતી અને હિન્દી ની મહત્તા પર પ્રકાશ પાડ્યો હતો. કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદના ડાયરેક્ટર ડોક્ટર સુનિલ કુમાર પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા.ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈ તેમજ સી બી પટેલ આર્ટસ કોલેજના આચાર્ય પ્રોફેસર ડોક્ટર મહેન્દ્ર કુમાર દવે હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર કલ્પનાબેન ભટ્ટ તેમજ અધ્યાપક ડોક્ટર ચિરાગભાઈ પરમાર, સ્ટાફ ગણ તેમજ પ્રતિભાગી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય, સરસ્વતીવંદના, બાદ હિન્દી વિભાગના અધ્યક્ષ ડોક્ટર કલ્પનાબેન ભટ્ટે સ્વાગત પરિચય આપ્યો હતો ત્યારબાદ કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદના ડાયરેક્ટર ડોક્ટર સુનિલ કુમારે શિબિરનના ૧૪ દિવસ દરમ્યાન ના દરરોજ પાંચ કલાક ના સત્ર તેમજ પાઠ્યક્રમ ની માહિતી આપી હતી. આચાર્યએ હિન્દી વિભાગ ને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપી હતી. મુખ્ય અતિથિ તરીકે મંડળના પ્રમુખ ભુપેન્દ્રભાઈ દેસાઈએ આવી શિબિર યોજવાના નિર્ણયની પ્રશંસા કરી હતી. તેમણે પણ શિબિર માટે જે -તે આર્થિક યોગદાન માટે તત્પરતા દાખવી હતી. અંતે આભાર વિધિ બાદ રાષ્ટ્રગાન ગાઈને ઉદ્ઘાટન સમારોહની સમાપ્તિ અને શિબિર ના વ્યાખ્યાનસત્રની શરૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે દરરોજ પાંચ કલાક આયોજિત આ શિબિરમાં વિદ્યાર્થીઓને માનક હિન્દી લેખન અને પ્રયોગ, હિન્દી ભાષા પરિમાર્જન, મૌખિક અભિવ્યક્તિ, વ્યવહારિક હિન્દી સંરચના, શૈક્ષિક અધ્યયન તેમજ ભારતીય જ્ઞાન પરંપરા જેવા વિષયો પર તજજ્ઞોના વ્યાખ્યાન દ્વારા જ્ઞાન પીરસવામાં આવશે.આ ૧૪ દિવસીય શિબિર નો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્રીય હિન્દી સંસ્થાન આગ્રા દ્વારા અહિન્દી પ્રદેશ ગુજરાતમાં સન્માનનીય રાષ્ટ્રીય ભાષા હિન્દી ના પ્રચાર પ્રસાર અને મહત્તા વધારવાનો છે.સમગ્ર ઉદ્ઘાટન સમારોહ ના કાર્યક્રમનું સંચાલન હિન્દી વિષયના અધ્યાપક ડો. ચિરાગભાઈ પરમારે કર્યું હતું.