ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ
નરેશ ગનવાણી નડિયાદ
જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એન એ. અંજારીઆનાં અધ્યક્ષપણા અને માર્ગદર્શન હેઠળ તા.૨૨ જુન ૨૦૨૪, શનિવારના રોજ જિલ્લા ન્યાયાલય, નડીઆદ મુકામે આવેલ કોર્ટો સહિત ખેડા જીલ્લાના તમામ તાલુકા મથકે કાર્યરત કોર્ટો ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ. આ તા.૨૨ જુન ૨૦૨૪ નાં રોજની નેશનલ લોક અદાલત અગાઉ વધુમાં વધુ કેસોનો સમાધાન રાહે નિકાલ કરી શકાય તેવા ઉમદા હેતુસર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ફૂલ ટાઈમ સેક્રેટરી . ડી બી. જોષીએ લોક અદાલતના લાભો વિષે માહિતી આપી જણાવ્યું હતું કે લોક અદાલત સમાજ માટે તકરાર નિવારણનો સુવર્ણ માર્ગ છે, લોક અદાલતમાં કેસનો નિકાલ થવાથી બંને પક્ષકારોને ઘરે દીવો પ્રગટે છે, લોક અદાલતમાં કેસોનો નિકાલ-ચુકાદો આખરી હોઈ અપીલની જોગવાઈ હોતી નથી, કોર્ટ ફીની રકમ કોર્ટ ફી એક્ટ મુજબ પરત મળવાપાત્ર છે, અન્ય કોઈ ખર્ચ થતો નથી જેથી વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી. જેનાં સાર્થક પરિણામ સ્વરૂપ આ નેશનલ લોક અદાલતમાં કોર્ટોમાં ચાલી રહેલાં પેન્ડિંગ કેસોનાં નિકાલમાં જવલંત પરીણામ મળેલ છે. જેમાં મોટર વાહન અકસ્માત વળતરના ૨૦૯ કેસોમાં રૂ.૯,૩૦,૬૮,૯૨૦, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ૧૩૮ નાં ચેક રિટર્નના ૫૯૨ કેસોમાં રૂ.૯,૪૨,૮૪,૭૨૮, એન.સી. પ્રકારનાં ૬૦૦ કેસો, સ્પેશીયલ સીટિંગ ઓફ મેજીસ્ટ્રેટ કોર્ટમાં લાગુ પડતાં ૨૩૬૩ કેસો, બેંક/મની રિકવરીના ૪૧ કેસોમાં રૂ.૫૭,૬૦,૧૪૬, લગ્નવિષયક દાવાઓના ૧૬૯ કેસોમાં રૂ.૪૦,૧૮,૯૬૦, વીજળી-પાણી બિલ લેણાંનાં ૫૨૨ કેસોમાં રૂ.૭૮.૦૮.૦૨૩, અન્ય સિવિલ દાવાઓનાં ૯૬ કેસોમાં રૂ.૫૩,૨૨,૪૫૧, સમાધાનલાયક તથા અન્ય ક્રિમીનલ કેસોના ૧૧૯ કેસોમાં રૂ.૧,૨૭,૯૭,૨૦૭ તથા ફેમિલી કોર્ટના ૫૨(બાવન) મળીને ૪૭૬૩ જેટલાં પેન્ડિંગ કેસોની સાથે રાષ્ટ્રીયકૃત બેંકો, મધ્ય ગુજરાત વીજ કંપની, અન્ય નાણાકીય સંસ્થાઓનાં લેણી રકમના કોર્ટમાં દાખલ નહીં કરાયેલ તેવા પ્રિલિટિગેશન પ્રકારનાં ૧૩૫૮ કેસોમાં રૂ.૨,૦૬,૯૬,૭૩૩/- સહિત કુલ રૂ.૨૪,૩૭,૫૭,૧૬૮ ની રકમનાં સમાધાન વળતરનાં કેસો, તથા ટ્રાફીક નિયમ ભંગને લગતાં ટ્રાફીક ચલણનાં ૪૧૭૦ કેસોમાં રૂ.૩૧,૩૨,૩૦૦ તથા કબુલાત અને એન.સી. કેસોની રૂ.૧,૩૫,૩૨૦ મળી કુલ ૩૨ લાખથી વધુની રકમ દંડ પેટે સરકાર ખાતે વસુલાત લઈને ૨૪ કરોડથી વધુ સમાધાન-વળતરનાં કુલ-૧૦૨૯૧ કેસોનો નિકાલ કરવામાં આવ્યો. આ લોક અદાલતમાં ન્યાયાધીશશ્રીઓ, કર્મચારીગણ, વકીલઓ, બેંકો, વીમા, ફાયનાન્સ કંપનીઓ, એસ.ટી. નિગમનાં પ્રતિનિધિઓ તથા પક્ષકારો સહિત તમામના સહયોગથી ઉત્કૃષ્ટ પરિણામ મળેલ છે તેવું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, નડીઆદનાં ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ. એન એ. અંજારીઆએ અખબારી યાદીમાં જણાવેલ છે.