દુકાનની બહાર ગટરનું પાણી ભરાઈ રહેતા વેપારીઓને હાલાકી
નરેશ ગનવાણી નડિયાદ
યાત્રાધામ ડાકોરમાં મુખ્ય માર્ગ પર પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ બાદ પીવાના પાણી અને ઉભરાતી ગટરના પાણી મિક્સ થઇને તેનો રેલો માર્ગ પર દુકાનોની બહાર ભરાઇ રહેતાં દુકાનદારો પરેશાન થઇ ગયા છે. આ મામલે રજૂઆત કર્યા બાદ પણ પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી નથી. ડાકોરમાં પોસ્ટ ઓફિસની સામે મુખ્ય માર્ગ પર છેલ્લા પંદર દિવસથી પાણીની પાઇપમાં ભંગાણ થયા બાદ પાણી માર્ગ પર ફરી વળે છે. આ પાણીમાં ઉભરાતી ગટરનું દુર્ગંધયુક્ત પાણી પણ ભળતાં માર્ગ પર આવેલ દુકાનદારો પરેશાન થઇ ગયા છે.
આ માર્ગ રણછોડજી મંદિર જવાનો મુખ્ય માર્ગ હોવાછતાં પણ તંત્ર દ્વારા ભંગાણની મરામત કે ઉભરાતી ગટરની મરામત કરવામાં આવી નથી. જેને કારણે સ્થાનિકો, દુકાનદારો અને યાત્રાળુઓને હાલાકી વેઠવી પડી રહી છે. છેલ્લા ઘણાં સમયથી દુકાનની બહાર અને મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતાં હોવાને કારણે દુકાનદારોને તેમજ ખરીદી કરવા આવતાં ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાની દુકાનની બહાર ભરાઇ રહેતાં પાણીને અટકાવવા માટે દુકાનદારો દ્વારા પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જોકે, પાણીનું વહેણ વધુ હોવાથી દુકાનદારોને પાણી રોકાતુ નથી હાલમાં પણ દુકાનોની બહાર દુર્ગંધયુક્ત પાણી સતત ભરાઇ રહેતાં દુકાનમાં આવવા માટે દુષિત પાણીમાંથી પસાર ન થવું પડે તે માટે દુકાનદારો દ્વારા બ્લોક્સ – પથ્થર મૂકવામાં આવ્યા છે. પાલિકા દ્વારા સત્વરે ભંગાણની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ વેપારીઓ અને સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.