ઠાસરામાં પ્રેમિકાને ઝેરી દવા પીવડાવી હત્યા નિપજાવી હોવાનો મામલો સામે આવ્યો છે.
નરેશ ગનવાણી નડિયાદ
ઠાસરા તાલુકાના ઢુણાદરા તાબે લાલપુરા ગામમાં રહેતા પરિવારની સગીર દીકરી અને ગામમાં જ રહેતા સંજય જુવાનસિંહ ઝાલા સાથે પ્રેમસંબંધ હોવાની સગીરાના પિતાને જાણ થઈ હતી. સંજય અવારનવાર સગીરાને મળતો હતો અને વાતો કરતો હતો જેથી સગીરાના પિતાએ સંજયનો ઠપકો આપ્યો હતો.૨૭ જુનના રોજ સગીરાના પિતા કામે ગયા હતા અને બપોરના સમયે દિકરી ઘરે સુઈ રહી હતી અને ઉપકા જેવું આવે છે તેમ કહ્યું હતું. બાદમાં સાંજે સગીરાની તબિયત લથડતા અને ચક્કર જેવું આવતા તેમના કૌટુંબીક ભાભીએ સગીરાને પૂછતા સગીરાએ પોતાના ભાભીને જણાવ્યું કે આ સંજય નામના વ્યક્તિએ પોતાને ઝેરી દવા નહોતી પીવી તેમ છતાં કોઈ ઝેરી દવા જબરજસ્તીથી પીવડાવી દીધેલ છે. જે બાદ તેણીને તુરંત સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રસ્તામાં સગીરાએ પોતાના પિતાને ઉપરોક્ત દવા પીવડાવવા બાબતની હકીકત કીધી હતી. સારવાર દરમિયાન ડોક્ટરે પણ નિવેદન લેતા સગીરાએ આ ઝેરી દવા જબરજસ્તીથી સંજયે પીવડાવી હોવાનું કહ્યું હતું.
જીવનમરણ વચ્ચે જોલા ખાતી કિશોરી મોડીરાત્રે મૃત્યુ પામી હતી. આથી પિતાએ તપાસ કરતા બપોર પહેલા દીકરી કુદરતી હાજતે જવા માટે નીકળી હતી ત્યાં આ સંજયે કોઈ ઝેરી દવા જબરજસ્તીથી પીવડાવી દીધી હોવાનું જાણવા મળતા તેમણે આ બાબતે આ સંજય ઝાલા વિરુદ્ધ ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.