દાહોદમાં વધુ બે કોરોના પોઝીટીવ સામે આવતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામ
અનવરખાન પઠાણ / ધ્રુવ ગોસ્વામી
દાહોદ તા.૨૪
દાહોદમાં આજરોજ વધુ બે કોરોના પોઝીટીવ હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ સહિત વહિવટી તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.વધુમાં જાણવા મળ્યા આજરોજ કોરોના પોઝીટીવ આવેલા દંપતી પૈકી મહિલા દે.બારીયા નગરપાલિકા ઉપ પ્રમુખ હોવાનું જાણવા મળેલ છે.આરોગ્ય વિભાગ દ્વારા ગઇકાલે ૯૦ જેટલાં સેમ્પલો કલેક્ટ કરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.જે પૈકી ૮૮ લોકોના રિપોર્ટ નેગેટિવ આવવા પામતા દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંકડો ૫૨ પર પહોંચવા પામ્યો છે.જયારે કોરોના સક્રમિત એક્ટિવ ૧૦ કેસો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર દે.બારીયા નગરના સ્ટેશન શેરીના રહેવાસી મિતેષ નાથાણી તેમજ તેમની પત્ની જે નગરપાલિકા ઉપ પ્રમુખ પણ છે.તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો.
વધુમાં જાણવા મળ્યા મુજબ આજરોજ કોરોના પોઝિટિવ આવેલા દંપતિ ગત તારીખ ૭ મી જૂનના રોજ અમદાવાદથી પોતાના વતન બારીયા ખાતે આવ્યા હતા.ત્યારબાદ તેઓને કોરોનાના લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા તેનો સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યો હતો જયા આજરોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો. આરોગ્ય વિભાગે હાલ કોરોના પોઝિટિવ આવેલા બન્ને પતિપત્નીના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ આદરી તેઓને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી છે. તેમજ સ્ટેશન શેરીના આસપાસના વિસ્તારોને સેનેટાઈઝર સહિત દવાના છંટકાવની કામગીરીમાં પણ જોતરાયા છે.દાહોદમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ ના ૫૨ કેસો નોંધાવા પામ્યા છે. જે પૈકી ૪૨ દર્દીઓ કોરોના મુક્ત થતાં તેઓને અત્રેના હોસ્પિટલમાંથી રજા મળી જવા પામતા હાલ કોરોના સંક્રમિત એક્ટિવ કુલ ૧૦ કેસો અત્રેની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
#Sindhuuday Dahod

